લુણાવાડા ખાતે મંજુર થયેલ મેડિકલ કોલેજ કાકચીયા ખાતે બનાવવા માંગ

મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે રાજય સરકાર દ્વારા મંજુર કરાયેલ નવી મેડિકલ કોલેજ માટે યોગ્ય જમીનની સત્વરે ફાળવણી થાય તે અર્થે લુણાવાડા શહેર ભાજપ અને નગરપાલિકાના પદાધિકારીઓએ મહિસાગર જિલ્લાના પ્રભારી મંત્રી પી.સી.બરંડાને લેખિત રજુઆત કરી ભલામણ પત્ર પાઠવ્યો છે.

પ્રભારી મંત્રીને કરાયેલી રજુઆતમાં જણાવ્યા અનુસાર લુણાવાડાથી માત્ર ૪ કિ.મી.દુર હાલમાં બની રહેલા નવા બાયપાસ રોડથી ૨.૫ કિ.મી.ના અંતરે આવેલા કાકચીયા ખાતે સરકારી જમીન જે મેડિકલ કોલેજ અને તેને સંલગ્ન માળખાકિય સુવિધા માટે અનુકુળ છે. કાકચીયા ગામે પ્રાચિન મહાદેવજીનુ મંદિર પણ આવેલુ છે. ત્યારે ગ્રામજનો તથા સ્થાનિકોની પણ આ સ્થળે કોલેજ બનાવવાની પ્રબળ માંગ છે. શહેર ભાજપ પ્રમુખ ઋષિરાજ પંડ્યા અને પાલિકા પ્રમુખ ડો.કિર્તિભાઈ પટેલ, ઉપપ્રમુખ દિનેશ ડામોર, કારોબારી અધ્યક્ષ સમીર મહેતા તેમજ શહેર ભાજપ મહામંત્રીઓ વિમલ પારેખ અને ધવલ સોની ઉપસ્થિત રહ્યા હતા.