અજાણ્યા બાઈક ચાલકે ટક્કર માર્યા બાદ સ્થળ પરથી ફરાર, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત; પરિવારજનની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી.
દાહોદ જીલ્લાના ગોવિંદગુ લીમડી તાલુકાના ખેડા બાયપાસ વિસ્તારમાં તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ માર્ગ અકસ્માતની ઘટના બની હતી. જેમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા રમસુભાઈ ગજાભાઈ નિનામા (ઉ.વ. ૭૦)ને અજાણ્યા બાઈક ચાલકે ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી મુજબ, રમસુભાઈ લીમડી બજારમાંથી પગપાળા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ખેડા બાયપાસ પાસે લીમડી તરફથી આવી રહેલા બાઈક ચાલકે કથિત રીતે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી તેમને ટક્કર મારી હતી. અકસ્માત બાદ બાઈક ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. રમસુભાઈને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પરિવારજનો દ્વારા જણાવ્યા મુજબ, રમસુભાઈએ બાઈકનો નંબર ૠઉં-૨૦-૩૭૫૬ હોવાનું નોંધ્યું હતું, જોકે નંબરની સંપૂર્ણ વિગતો યાદ ન રહી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સારવાર દરમિયાન રમસુભાઈનું મોત થતાં તેમના પુત્ર પ્રતાપભાઈ રમસુભાઈ નિનામાએ કુટુંબીજનો સાથે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.