રશિયાની સેનામાં જોડાઓ નહીં તો ડ્રગ્સ કેસમાં ફસાવી દઈશું’ મોરબીના યુવકની દર્દનાક આપવીતિ

ગુજરાતના મોરબીના સાહિલ મોહમ્મદ હુસૈનની એક દર્દનાક કહાની સામે આવી છે. સાહિલે આરોપ લગાવ્યો છે કે તેને ખોટા કેસમાં ફસાવીને જબરદસ્તીથી રશિયન સેનામાં સામેલ થવા માટે મજબૂર કરાયો. આ સાથે તેણે ભારતીય નાગરિકોને આ રીતે કોઈ પણ દબાણ કે લાલચમાં આવીને રશિયન સેનામાં ન જોડાવવાની અપીલ પણ કરી છે.

સાહિલના જણાવ્યાં મુજબ વર્ષ ૨૦૨૪માં તે ઉચ્ચ શિક્ષણ માટે રશિયા ગયો હતો. અભ્યા દરમિયાન તેણે નાણાકીય મુશ્કેલીઓ અને વિઝા સંલગ્ન સમસ્યાઓ ભોગવવી પડી. આ દરમિયાન તેનો સંપર્ક કેટલાક સ્થાનિક રશિયન નાગરિકો સાથે થયો જે નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપારમાં સામેલ હતા. સાહિલનો આરોપ છે કે ત્યારબાદ રશિયન પોલીસે તેને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી દીધો. તેણે વીડિયોમાં દાવો કર્યો કે પોલીસ અધિકારીઓએ તેને વિકલ્પ આપ્યો કે જો તે રશિયન સેનામાં સામેલ થઈ જાય તો તેના વિરુદ્ધ નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં આવશે. મજબૂરીમાં સાહિલે આ પ્રસ્તાવ સ્વીકાર્યો. ત્યારબાદ તેને યુદ્ધમાં મોકલી દેવાયો જ્યાંથી તેણે આ એસઓએસ વીડિયો રેકોર્ડ કરીને ભારત સહિત દુનિયાભરના લોકો સુધી પોતાની વાત પહોંચાડવાની કોશિશ કરી.

પોતાના વીડિયો સંદેશમાં સાહિલે કહ્યું કે હું તમામને અપીલ કરું છું કે રશિયાની સેનામાં ન જોડાય. અહીં અનેક સ્કેમસ્ટર સક્રિય છે. જે ખોટા કેસમાં ફસાવીને લોકોના જીવન બરબાદ કરે છે. તેણે એમ પણ કહ્યું કે અનેક વિદેશી નાગરિકો આ પ્રકારની જાળમાં ફસાઈ ચૂક્યા છે. સાહિલે ભારત સરકાર અને પીએમ મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. જેથી કરીને તેને સુરક્ષિત પાછો લાવી શકાય. તેનું કહેવું છેકે તે ખુબ જ કપરી પરિસ્થિતિઓમાં છે અને કોઈ પણ રીતે ભારત પાછો ફરવા માંગે છે.

આ સમગ્ર મામલે ભારત સરકારની પ્રતિક્રિયા સામે આવી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે રશિયન સેનામાં સામેલ થયેલા ભારતીય નાગરિકોના છૂટકારા અને સ્વદેશ વાપસી માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. તેમણે ભારતીય યુવાઓને સલાહ આપી કે તેઓ રશિયા કે કોઈ અન્ય દેશની સેનામાં સામેલ થવા સંલગ્ન કોઈ પણ પ્રસ્તાવથી દૂર રહે અને સતર્કતા વર્તે.