ગોવિંદ ગુ લીમડી તાલુકાના કાકરાકુવા નજીક તળાવા ચોકડીથી ચાકલીયા તરફ જતાં માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાલવાસથી ધરે પરત ફરી રહેલા માતા-પુત્રની બાઈકને પાછળથી અન્ય બાઈક ચાલકે ટકકર મારતા બંને રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. જયારે પુત્રને ઈજાઓ પહોંચી હતી.
ગોવિંદ ગુ લીમડી તાલુકાના કાકરાકુવા, મછાર ફળિયામાં રહેતા દસુભાઈ હુરજીભાઈ કિશોરીની પત્નિ જવાબેન અને પુત્ર રાકેશ જીજે-૨૦-એએસ-૭૭૯૦ નંબરની બાઈક પર મધ્યપ્રદેશના બાલવાસા ગામે ગયા હતા. બપોરે પરત ફરતી વખતે તળાવા ચોકડીથી આગળ ઢાળવાળા માર્ગ પર પહોંચતા પાછળથી આવેલી જીજે-૨૦-એડી-૧૯૭૦ નંબરની બાઈકના ચાલકે તેમની બાઈકની ટકકર મારી હતી. ટકકર વાગતા માતા-પુત્ર રોડ પર ફંગોળાયા હતા. જેમાં જવાબેનને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે પુત્ર રાકેશને જમણા હાથ સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે પેથાપુર સરકારી દવાખાને ખસેડાયા હતા. જયાં ફરજ પરના તબીબે જવાબેનને મૃત જાહેર કર્યા હતા. જયારે રાકેશને સારવાર હેઠળ ખસેડાયો હતો. અકસ્માત બાદ ટકકર મારનાર બાઈક ચાલક પોતાની બાઈક સ્થળ પર મુકી ફરાર થઈ ગયો હતો. આ બાબતે દસુભાઇ હુરજીભાઈ કિશોરીએ અજાણ્યા બાઈક ચાલક સામે ચાકલીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી આગળ વધુ તપાસ હાથ ધરી હતી.