આજે સવારે લોટીયા ચોકડી પાસે સનોલી વસાહતના અમિતભા ભીલ (ઉંમર 19) અને નર્તી ભીલ (ઉંમર 21) બાઈક પર પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક અજાણ્યા વાહન ચાલકે તેમની બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ભાઈ-બહેન બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. નર્તીબેનને માથાના ભાગે ઈજા પહોંચી હોવાથી તેમને સંખેડા રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે લાવવામાં આવ્યા હતા. અમિતભાઈને હાથ અને પગના ભાગે વધુ ઈજાઓ થતાં તેમને સર્વોદય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સંખેડા રેફરલ હોસ્પિટલમાં તપાસ બાદ નર્તીબેનને પણ વધુ ઈજાઓ હોવાનું જણાતા તેમને વધુ સારવાર માટે બોડેલીની આનંદ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં, પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.