અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હવે વોટ્‌સએપ ઉપર મળશે રિપોર્ટ, નવી સુવિધા શરુ

દર્દીઓને રાહત થાય એવો એક નિર્ણય અમદાવાદની સિવિલ હોસ્પીટલે લીધો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે વોટ્‌સએપ પર રિપોર્ટ આપવાની સુવિધા શરુ કરવામા આવી છે. આને કારણે રિપોર્ટ માટે હવે હોસ્પિટલમાં આવવાની જરુર નહીં રહે. દર્દીના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર રિપોર્ટ મોકલી દેવાશે.

સિવિલ હોસ્પિટલમાં નવી ઓપીડી પણ શરુ કરવામાં આવી છે જે રૂમ નં. ૭૫માં શરુ કરાઈ છે. ૨થી ૩ દિવસમાં દર્દીને બ્લડ ટેસ્ટ સહિતના રિપોર્ટ વોટ્‌સએપ પર મળશે.તે ઉપરાંત બિલિંગ કાઉન્ટર ૧થી વધારી ૨ કરાયા છે અને ઓનલાઈન ચૂકવણીની સુવિધા પણ શરુ કરવામાં આવી છે.

વોટ્‌સએપ પર બ્લડ સહિતના ટેસ્ટ રિપોર્ટ મળવાથી દર્દીઓને રિપોર્ટ લેવા માટે હોસ્પિટલના ધક્કા નહીં ખાવા પડે અને ઘેર બેઠા જ મળી જશે.