
રાજકોટના ખાદ્ય તેલ બજારમાં હાલ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ સામાન્ય જનતા માટે વપરાતા કપાસિયા તેલના ભાવમાં રાહત મળી છે, તો બીજી તરફ સીંગતેલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વિપરીત ફેરફારો નોંધાયા છે.
બજારમાં જોવા મળેલી વધ-ઘટના મુખ્ય આંકડાઓ નીચે મુજબ છે. સીંગતેલના ભાવમાં ૧૫ રૂપિયાનો વધારો નોંધાયો છે. આ વધારા સાથે હવે સીંગતેલના ડબ્બાનો ભાવ ૨૫૨૫ રૂપિયાથી વધીને ૨૬૦૫ રૂપિયા સુધી પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં ૩૦ રૂપિયાનો ઘટાડો થતા ગૃહિણીઓને થોડી રાહત મળી છે. હવે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૨૧૬૦ થી ૨૨૧૦ રૂપિયા ની સપાટીએ પહોંચ્યો છે.
સીંગતેલના ભાવમાં સતત થઈ રહેલા વધારા માટે મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર માનવામાં આવે છે, જેમાં સરકાર દ્વારા હાલ મોટા પ્રમાણમાં મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી રહી છે. જેને કારણે ઓપન માર્કેટમાં મગફળીની આવક પર અસર પડી છે અને યાર્ડમાં મગફળીના ભાવમાં તેજી જોવા મળી રહી છે.
ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને નુક્સાન થયું છે. જેના પરિણામે બજારમાં ’સારી ક્વોલિટી’ની મગફળીની અછત વર્તાઈ રહી છે. ઓપન યાર્ડમાં સારી ગુણવત્તાવાળી મગફળીના ઊંચા ભાવ બોલાઈ રહ્યા હોવાથી સીંગતેલના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે.
મગફળીની મર્યાદિત આવક અને તહેવારો કે લગ્નસરાની સિઝનને જોતા આગામી દિવસોમાં પણ સીંગતેલ અને મગફળીના ભાવમાં હજુ વધુ તેજી જોવા મળી શકે છે. જો મગફળીની આવક માર્કેટ યાર્ડમાં નહીં વધે, તો સામાન્ય મયમ વર્ગ માટે સીંગતેલનો ડબ્બો વધુ મોંઘો બની શકે છે.