હિમાચલથી બાઇક લઈને પરત ફરતા યુવકનું અકસ્માત : વડોદરાના યુવાનને પરવડી ચોકડી નજીક અજાણ્યા ટ્રેલરચાલકે અડફેટે લીધો : સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજ્યું

ગોધરા, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતો 38 વર્ષીય યુવાન મિલિન્દ ચંદ્રવદન પટેલ દોઢેક માસ અગાઉ વડોદરાથી બાઇક લઈને હિમાચલ ખાતે ફરવા ગયો હતો. જે યુવાન બાઈક લઇને વડોદરા ખાતે ફરીને પરત ફરી રહ્યો હતો. ગત 30 તારીખે મિલિન્દ સાંજના સમયે પોતાની બાઇક લઇને પરવડી ચોકડીથી પસાર થયા બાદ વડોદરા તરફના રસ્તે આગળ વધી રહ્યો હતો. જે દરમ્યાન પરવડી ચોકડીથી થોડે આગળ પૂરઝડપે જઇ રહેલા અજાણ્યા ટ્રેલરચાલકે બાઈકચાલક મિલિન્દ નામના યુવાનને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં મિલિન્દને ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસના લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પૂર્વે જ આશાસ્પદ યુવાનનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. બાઇક લઈને હિમાચલથી પરત ફરી રહેલ યુવાન પોતાના ઘરે વડોદરા પહોંચે તે અગાઉ જ કાળ ભરખી ગયો હતો. સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસમથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસે અકસ્માતને લઈ વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે હું મારા દીકરાને ફોન કરતી હતી ત્યારે મારો દિકરો મને બરાબર જવાબ આપતો ન હતો. તે મને કહી રહ્યો હતો કે હું દિલ્હી છું, નોઈડા છું તેવો જવાબ આપતો હતો, એટલે હું ચોક્કસ કહી ના શકું કે મારો દીકરો ક્યાં ગયો હતો. જ્યારે તેમની બહેને જણાવ્યું હતું કે, મારો ભાઈ 12મી મેના રોજ વડોદરાથી ધર્મશાળા જવાનું કહી નીકળ્યો હતો અને 30મી જૂનના રોજ છ વાગ્યે ચોક્કસ ઘરે આવવાનો વાયદો કર્યો હતો. જેથી પરિવારના લોકો પોતાના દીકરાની રાહ જોઈ બેઠા હતા, પરંતુ દીકરો મિલિન્દ ચંદ્રવદન પટેલ ઘરે પહોંચ્યો હતો નહીં. તેથી પરિવારના લોકો ચિંતિત હતા અને પોતાના દીકરાનું એકસીડન્ટમાં મોતને ભેટયો છે, તેવા સમાચાર સાંભળતા પરિવાર ભાંગી પડ્યો હતો. પોતાના દીકરાને ગુમાવવાના કારણે આજે આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે.