
સુરતના ઉધના વિસ્તારમાં વિશ્વાસને ઝંઝોળી નાખે તેવી કરોડોની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. માત્ર ૨૦ હજારના પગાર પર કામ કરતા સેલ્સમેને પોતાના માલિક સાથે જ ૧.૮૦ કરોડની ઠગાઈ આચરી હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ માલિકની કંપનીના નામનો જ લાભ ઉઠાવી બોગસ કંપની ઉભી કરી અને ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ મારફતે કંપનીનો માલ સસ્તા ભાવે વેચીને કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. સમગ્ર મામલો સામે આવતા ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસ મુજબ આરોપી મનિષ ચંદ્રકાંત પઠાડે ‘સીતારા બેગ’ નામની કંપનીમાં કામ કરતો હતો. તેણે માલિકની કંપની સાથે મળતું આવતું ‘સીતારા બેગ્સ’ નામ રાખીને બોગસ કંપની બનાવી હતી. ત્યારબાદ કંપનીના સ્ટોકને ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સસ્તા ભાવે વેચવાનું શરૂ કર્યું હતું. આ વેચાણમાંથી મળતા રૂપિયા કંપનીના ખાતામાં જમા કરાવવાના બદલે તેણે પોતાના નિયંત્રણ હેઠળના ખાતામાં ડાયવર્ટ કરી દીધા હતા.
આરોપીએ તમિલનાડ મર્કેન્ટાઈલ બેંકના ખાતામાં ટુકડે-ટુકડે કરીને કુલ ૧.૮૦ કરોડ જમા કરાવ્યા હતા. લાંબા સમય સુધી આ રીતે ગેરરીતિ ચાલતી રહી હતી, જેના કારણે માલિકને ધંધામાં સતત નુકસાન થવા લાગ્યું હતું. શરૂઆતમાં વેપારીને નુકસાનનું સાચું કારણ સમજાયું નહોતું, પરંતુ સતત ખોટ વધતાં તેણે કંપનીના હિસાબની વિગતવાર તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સેલ્સમેન મનિષ પઠાડેનો સમગ્ર કાળો કારોબાર બહાર આવ્યો હતો.
ઠગાઈના રૂપિયાથી આરોપીએ વૈભવી જીવન જીવવાનું શરૂ કર્યું હતું. ડીંડોલી વિસ્તારમાં ઘર ખરીદ્યું હતું, જ્યારે નવસારીમાં જમીન પણ ખરીદી હતી. એટલું જ નહીં, પત્ની અને માતા માટે સોનાના દાગીના ખરીદ્યા હતા. ઉપરાંત સ્વિફ્ટ કાર અને ઈ-બાઈક પણ ઉચાપતના નાણાંમાંથી વસાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોતાની આવક કરતાં અનેકગણી સંપત્તિ ઉભી કરીને આરોપી આલીશાન જીવન જીવી રહ્યો હતો.
મામલો ખુલ્લો પડ્યા બાદ આરોપીએ વેપારીને ૧૬.૧૭ લાખ પરત ચૂકવ્યા હતા. જોકે બાકીના ૧.૬૩ કરોડ પરત આપવાનો ઇનકાર કર્યો હતો. ફરિયાદ મુજબ આરોપીએ બાકી રકમ ન ચૂકવતા વેપારીને ધમકી પણ આપી હતી. ત્યારબાદ છેતરાયેલા વેપારીએ સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે ઉધના પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ સર્વેલન્સ ટીમે ટેકનીકલ માહિતી અને અન્ય પુરાવાના આધારે આરોપી મનિષ ચંદ્રકાંત પઠાડેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરીને જેલભેગો કરવામાં આવ્યો છે. પોલીસે હવે આરોપીએ ઠગાઈના નાણાં ક્યાં-ક્યાં ખર્ચ્યા અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.