ગોધરા તાલુકા સેવાસદનના કેમ્પસમાંથી રાઈટર્સ-સ્ટેમ્પ વેન્ડર્સોને ત્રણ દિવસમાં જગ્યા ખાલી કરવા આદેશ

ગોધરા તાલુકા સેવાસદન કેમ્પસમાં રાઈટર્સ-સ્ટેમ્પ વેન્ડરોને ત્રણ દિવસમાં જગ્યા ખાલી કરવા પ્રાંત અધિકારીનો આદેશ આપ્યો હતો.

ગોધરા તાલુકાના સેવાસદન કચેરી ખાતે વર્ષોથી કેમ્પસમાં બેસીને અરજી લેખણ(રાઈટર્સ)અને સ્ટેમ્પ વેન્ડિંગનુ કામ કરતા લોકો સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. ગોધરાના પ્રાંત અધિકારી એન.બી.મોદી દ્વારા સેવાસદન કેમ્પસમાં બેસતા તમામ રાઈટર્સ અને સ્ટેમ્પ વેન્ડરોને આગામી ત્રણ દિવસમાં જગ્યા ખાલી કરવા માટે સત્તાવાર નોટિસ ફટકારવામાં આવતા કચેરી પરીસરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાંત અધિકારી દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યુ છે કે, આગામી ત્રણ દિવસની અંદર કેમ્પસની સરકારી જગ્યા ખાલી કરી દેવી. આ ઉપરાંત કેમ્પસમાં ગેરકાયદેસર રીતે અનધિકૃત રીતે મુકવામાં આવેલા તમામ ટેબલો અને સામાન પણ તાત્કાલિક ધોરણે હટાવી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. જો નિયત સમય મર્યાદામાં જગ્યા ખાલી કરવામાં નહિ આવે તો તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેવા સંકેતો પણ મળી રહ્યા છે. વહીવટી તંત્રની આ અચાનક અને કડક કાર્યવાહીની નોટિસ મળતાની સાથે જ સેવાસદન કેમ્પસમાં બેસીને પોતાનુ ગુજરાન ચલાવતા રાઈટર્સ અને વેન્ડરોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે.