
ગત રાતે દાહોદ શહેરમાં પેટ્રોલિંગમાં નીકળેલ દાહોદ એલસીબી પોલીસે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મહિન્દ્રા શોમની સામે આરટીઓ કચેરીની પાસેના ખુલ્લા મેદાનમાં ઓચિંતો છાપો મારી મધ્યપ્રદેશના ગુના જીલ્લાની પારધી ગેંગના સાત જેટલા કુખ્યાત ધાડપાડુઓને ધાડ લૂંટના ગુનાને અંજામ આપે તે પહેલા જ પકડી પાડયા હતા અને પોલીસે અંગ જડતી લઈ તેઓની પાસેથી લોખંડના સળિયા કાપવાનું હાઇડ્રોલિક કટર મશીન, નાની કટર, લોખંડનો ધણ, દસ્તો, લાકડામાં હાથાવાળા છરા તથા ગોફણ વગેરે સાધનો પકડી પાડી કબ્જે લીધાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
પરમ દિવસે રાતે દાહોદ એલસીબી પીઆઈ ડી.એમ. ડોલ, પી.એસ.આઈ જી.બી. રાઠવા, પીએસઆઈ એન.બી. પરમાર તથા એલસીબી ટીમના પોલીસ કર્મીઓ અત્રેની એલસીબી કચેરીએ હાજર હતા. તે દરમિયાન પીઆઈ ડી.એમ. ડોલને ખાનગી રહે બાતમી મળી હતી કે, મહેસાણા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ભાવનગર જીલ્લાના તથા રાજ્ય બહારના ધાડ, હથિયાર સાથે ધાડ, લૂંટ, ઘરેફોડ ચોરીના મિલકત સંબંધી ગુનાઓ આચરતી મધ્યપ્રદેશના ગુના જીલ્લાની આંતરાજ્ય પારધી ગેંગના નાસતા ફરતા મધ્યપ્રદેશના ગુના જીલ્લાના જુદા જુદા ગામોમાં રહેતા અને રમકડા વેચવાનો ધંધો કરતા ભારતસિંહ કલ્યાણસિંહ સોલંકી (પારધી), રીતિક તોફાનભાઈ સોલંકી (પારધી), કેવલ જાનકીલાલ પુવાર (પારધી), વલ્લુ ઉર્ફે બલ્લુ તોફાનભાઈ સોલંકી (પારધી), વિવેક ઉર્ફે ગોપી કાલીયા સોલંકી (પારધી), મલિકરાવ ગુજરાવ તીતારામ ચૌહાણ (પારધી) તથા પંજાબના હોશિયારપુર ખાતે રહેતા બિરેનસિંહ ઉર્ફે બેરન ચમન ઉર્ફે ચીમનલાલ સોલંકી તથા તે ગેંગના સાગરિતો દાહોદ બજારમાં કોઈક જગ્યાએ ધાડ-લૂંટ જેવા કોઈ મોટા અને ગંભીર ગુનાને અંજામ આપવા માટે આવેલ છે અને હાલ તેઓ ઈન્દોરથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે પર મહિન્દ્રા શોમ ની સામે, આરટીઓ કચેરીની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં પૂર્વ આયોજીત કાવતં રચી એકઠાં થઈ લૂંટ/ધાડ કરવાની તૈયારી સાથે છુપાઈને બેઠેલા છે. જે બાતમીને આધારે દાહોદ એલસીબી પીઆઈ ડી.એમ. ડોલ, પીએસઆઈ જી.બી. રાઠવા, પીએસઆઈ એન. બી. પરમાર તથા એલસીબી પોલીસના કર્મચારીઓને જુદી જુદી ટીમો બનાવી ટોર્ચ બેટરીના અજવાળે બાતમીમાં દર્શાવેલ સ્થળ મહિન્દ્રા શોમની સામે આરટીઓ કચેરીની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યા નજીક પહોંચી જઈ વ્યુહાત્મક રીતે આયોજનબદ્ધ વોચ ગોઠવી કોર્ડન કરી ઓચિંતો છાપો મારી શંકાસ્પદ હાલતમાં ઉપરોક્ત સાથે જણાને ઝડપી લઈ તેઓની અંગ ઝડતી લઈ તેઓની પાસેથી મારક હથિયારો જેવા કે, ગીલોલ નંગ-૩, લાકડાના હાથાવાળા છરા નંગ-૫ તેમજ તાર કાપવાની કટર, લોખંડના સળિયા કાપવાનુ હાઇડ્રોલિક કટર મશીન, લોખંડનો ઘણ, લોખંડના દસ્તા નંગ-૨ તથા મોબાઈલ ફોન નંગ-૨ પકડી પાડી કબ્જે લીધા હતા. તેઓને હથિયાર બાબતે પૂછતા તેઓએ તાર અને સળિયા કાપવા કટર, દરવાજાના નકુચા તેમજ તાળાં તોડવા ઘણ, દસ્તો, કોઈ માણસ સામનો કરે તો તેને મારવા લાકડાના હાથાવાળા છરા અને દૂરથી મારવા તથા કૂતરાને ભગાડવા ગીલોલનો ઉપયોગ કરતા હોવાનું જણાવ્યું હતું ઉપરોક્ત ભૂખ્યાત ધાડપાડું/લૂંટાઓ દિવસ દરમિયાન રમકડા વેચવાનો ધંધો કરવાની સાથે રેકી કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. દાહોદ એલસીબી પોલીસે ઉપરોક્ત આરોપીઓના ગુનાઓની ફાઈલો તપાસતા ભારત સિંઘ કલ્યાણ સિંઘ સોલંકી સામે ધાડ-લૂંટ ઘરફોડ ચોરી જેવા ૨ ગુના, રિતિક તોફાનભાઈ સોલંકી સામે-૧ ગુનો, કેવલ જાનકીલાલ પુવાર સામે-૨૭ ગુના, વિવેક ઉર્ફે ગોપી કાલીયા સોલંકી સામે-૧૪ ગુના, વલ્લુ ઉર્ફે બલ્લુ તોફાનભાઈ સોલંકી સામે-૩ ગુના, મલિકરાવ ગુજરાવ તીતારામ ચૌહાણ સામે ૨ ગુના તથા બિરેનસિંહ ઉર્ફે બેરન ચીમનલાલ સોલંકી સામે-૪ ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. આમ ધાડ-લૂંટના ગુનાને અંજામ આપે તે પહેલા જ મધ્યપ્રદેશના ગુના જીલ્લાની પારધી ગેંગના સાત જેટલા કુખ્યાત ધાડપાડું/લુટાઓ ને ઝડપી પાડી કોઈ મોટા ગંભીર ગુનો થતો અટકાવવામાં દાહોદ પોલીસ ને સફળતા મળી હતી