ઝાલોદ નગર સહિત તાલુકાના વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછત ગંભીર સ્વપ ધારણ કરતી જોવા મળી રહી છે.
ઝાલોદ નગરમાં આવેલી મોટાભાગની પેટ્રોલ પંપો પર ડીઝલ નથી ના બોર્ડ લગાવવામાં આવતા વાહનચાલકોમાં ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલ નગરમાં આવેલા ૬ પેટ્રોલ પંપો માંથી ફક્ત બસ સ્ટેશન વિસ્તારનો એક જ પંપ પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઈરાન-ઈઝરાયેલ તણાવના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના પુરવઠા પર અસર જોવા મળી રહી છે. ઓઈલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં ઘટાડો થતાં હવે તેની સીધી અસર ઝાલોદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી નવો જથ્થો મોડો મળી રહ્યો છે.
હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી હોવાથી ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની છે. નાના વાહનો, કાર અને ટેમ્પો લઈને જાનમાં જતાં લોકો પેટ્રોલ અને ડીઝલ માટે એક પંપથી બીજા પંપ સુધી ધક્કા ખાતા જોવા મળ્યા હતા. ઈંધણની અછતને કારણે ઘણા પરિવારો ચિંતિત બન્યા છે.
ખેતીની સીઝન નજીક હોવાથી ટ્રેક્ટર, પંપસેટ અને સિંચાઈ માટે ડીઝલની ભારે જરિયાત રહેતી હોય છે. ઝાલોદ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં પણ ડીઝલનો જથ્થો ખૂટી પડતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જો આગામી દિવસોમાં પુરવઠો સામાન્ય નહીં બને તો ખેતીના કામો પર અસર પડી શકે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.
ઝાલોદ નગરમાં ડીઝલ ખૂટી જતા અનેક પેટ્રોલ પંપો પર ડીઝલ નથી ના બોર્ડ જોવા મળ્યા હતા. બસ સ્ટેશન વિસ્તારના પંપ પર પેટ્રોલ અને ડીઝલ મળતાં મોટી સંખ્યામાં વાહનચાલકો ઉમટી પડ્યા હતા. પરિણામે લાંબી લાઈનો લાગી હતી અને લોકો કલાકો સુધી રાહ જોતા જોવા મળ્યા હતા.
ઓઈલ કંપનીઓ દ્વારા જથ્થામાં ઘટાડો કરાયો હોવાનો આક્ષેપ પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા મુજબ અનેક પંપોએ એડવાન્સ પેમેન્ટ અને રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં ડેપો સ્તરેથી ટેન્કરો સમયસર મોકલવામાં આવતા નથી. ઓઈલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં મોટો ઘટાડો કરાયો હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે.
તંત્ર દ્વારા પેટ્રોલ અને ડીઝલનો ગેરકાયદેસર સંગ્રહ ન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. વધુ ભાવ લઈને વેચાણ કરનાર અથવા કાળાબજારી કરનાર સામે પુરવઠા વિભાગ અને પોલીસ દ્વારા કાર્યવાહી થઈ શકે છે.