નવીદિલ્હી,
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી કૌભાંડને ખોટું માની રહ્યા હોય, પણ આ મામલાની તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમ જે રીતે ડિજિટલ અને ફોરેન્સિક પુરાવા એકત્ર કરી રહી છે, એનાથી ભવિષ્યમાં કેજરીવાલની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ શકે છે. મનીષ સિસોદિયાને રિમાન્ડમાં પૂછપરછ બાદ હવે મુખ્યમંત્રી કેજરીવાલને પણ સીબીઆઇ ઇડીની ઓફિસે બોલાવવામાં આવી શકે છે. એવી માહિતી પણ મળી રહી છે કે આ મામલે ટીમને પૂરતા પુરાવા મળ્યા છે.
આ મામલે સીબીઆઇ સત્યેન્દ્ર જૈનની પહેલેથી જ તિહાર જેલમાં જઈને પૂછપરછ કરી છે. આરોપ છે કે એક્સાઈઝ વિભાગના એક બ્યૂરોક્રેટે કૌભાંડમાં પૂછપરછ દરમિયાન સીબીઆઇને નિવેદનમાં જણાવ્યું હતું કે સિસોદિયાએ તેમને કેજરીવાલના ઘરે બોલાવ્યા હતા. એ દરમિયાન સત્યેન્દ્ર જૈન પણ ત્યાં હતા. ત્યાં જ સિસોદિયાએ તેમને મૌખિક રીતે દારૂના કારોબારીઓ માટે કમિશન વધારવા માટે ડ્રાટ તૈયાર કરવા માટે કહ્યું હતું.દાવો કરવામાં આવી રહ્યો છે કે સમીર મહેન્દ્રએ તપાસ એજન્સીને જણાવ્યું હતું કે જેલમાં બંધ નાયરના ફોનથી કેજરીવાલે સામસામે વીડિયો કોલ કરીને તેમને કહ્યું હતું કે વિજય નાયર તેમનો માણસ છે, તેમના પર તેઓ ભરોસો રાખે.
મહેન્દ્રનો દાવો છે કે કેજરીવાલના આદેશ પર આ કેસમાં કરોડો રૂપિયા આપવામાં આવ્યા હતા, જે ગોવાની ચૂંટણીમાં ખર્ચવામાં આવ્યા હતા. આ કેસમાં પણ ઇડીએ એડવર્ટાઇઝિંગ કંપનીની પણ પૂછપરછ કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સીએમ કેજરીવાલ બંને આરોપોમાં સીધા સામેલ છે. મહેન્દ્રુ, વિજય નાયરની સામે બેસાડી તેમની પૂછપરછ કરવી જરૂરી છે, જેથી સત્ય હકીક્ત જાણી શકાય. એક્સાઈઝ વિભાગની ઓફિસે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન એજન્સીને એક ડિજિટલ ડિવાઈસ પણ મળ્યું હતું. એમાં આબકારી નીતિના ડ્રાટ અને શરાબના કારોબારીઓના કમિશન વધારવા અંગેની ફાઈલ હતી, પણ વિભાગના સરકારી કોમ્પ્યુટરમાં આ ફાઈલ નહોતી. આ બાબતે સિસ્ટમ એન્જિનિયરને બોલાવીને પૂછયું કે ફાઈલ ક્યાં છે. સિસ્ટમ એન્જિનિયરની માહિતી પર ગઈ ૧૪ જાન્યુઆરીએ મનીષ સિસોદિયાની ઓફિસનું એક કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યું. દાવો છે કે કોમ્પ્યુટરમાંથી મોટા ભાગની ફાઈલોને ડિલિટ કરી દેવામાં આવી હતી.
સીબીઆઇએ કોમ્પ્યુટરને આઈટી એન્જિનિયરો પાસેથી રિકવર કરાવ્યું તો એમાંથી અનેક ફાઈલ મળી હતી. એક ફાઈલ વ્હોટ્સએપ દ્વારા આવી હતી. ત્યાર બાદ સીબીઆઇને કડીઓ મળતી ગઈ. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સીબીઆઇને કેટલીક ચેટ્સ પણ મળી છે, જેમાં સાઉથ ગ્રુપ પોલિસીમાં બદલાવ માટે ૨ સૂચન આપવામાં આવ્યાં છે. ત્યાર બાદ સિસોદિયાનાં સૂચનો પર ૨૨ માર્ચે સીબીઆઇની ફાઈનલ એક્સાઈઝ પોલિસી ડ્રાટમાં સામેલ કરવામાં આવી હતી. સીબીઆઇ આ જ પુરાવાને મનીષ સિસોદિયાની સામે રાખીને પૂછી રહી છે કે એક્સાઈઝ ડ્રાટ પોલિસી સાઉથ લોબીની પાસે પહેલેથી જ કેવી રીતે પહોંચી ગઈ હતી.