ગોધરાના બોડીદ્રાબુજર્ગ ગામે ૧૫ વર્ષના સગીરના બાળલગ્ન અટકાવાયા

-ચાઈલ્ડ હેલ્પલાઈનની સમયસર કાર્યવાહીથી સગીરનું ભવિષ્ય બચ્યું.

પરિવારે લગ્ન મોકૂફ રાખ્યા.

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના બોડીદ્રાબુજર્ગ ગામે આજે ૧૫ વર્ષના સગીર બાળકના લગ્ન થઈ રહ્યા હોવાની માહિતી મળતા ચાઈલ્ડ હેલ્પલાઈન અને જીલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને બાળલગ્ન અટકાવી દીધા હતા. ચાઈલ્ડ હેલ્પલાઈન પર એક કોલ મારફતે જાણકારી મળી હતી કે, બોડીદ્રાબુજર્ગ ગામે ૧૫ વર્ષના બાળકના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. કોલ મળતા જ ૧૦૯૮ ઈઇંક દ્વારા તાત્કાલિક સમાજ સુરક્ષા અધિકારી અને જીલ્લા બાળ સુરક્ષા અધિકારીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જીલ્લા બાળ સુરક્ષા અધિકારીની સૂચનાથી ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલા ઈનના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અંજનાબેન અને કાઉન્સેલર સુનીતાબેન તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં સ્થળ પર મંડપ બાંધેલો જોવા મળ્યો હતો. જેથી ટીમ દ્વારા બાળકના દસ્તાવેજોની ચકાસણી કરતા બાળકની ઉંમર ૧૫ વર્ષ ૫ મહિના અને ૨૯ દિવસની હોવાનું માલુમ પડ્યું હતું. જેને લઈ ૧૦૯૮ ઈઇંક ટીમ અને જીલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા પરિવારજનોને સમજાવવામાં આવ્યું કે, ૧૮ વર્ષથી નાની ઉંમરે લગ્ન કરાવવા બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ હેઠળ ગુનો બને છે. જો લગ્ન કરવામાં આવે તો ૨ વર્ષ સુધીની કેદ અને ૧ લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંનેની જોગવાઈ છે. ત્યારબાદ પરિવારજનોએ જણાવ્યું કે, તેઓ અભણ હોવાથી અને કાયદાની જાણકારી ન હોવાથી લગ્નનું આયોજન કર્યું હતું. ટીમ દ્વારા કાઉન્સેલિંગ અને કાયદાકીય સમજ આપ્યા બાદ માતા-પિતા અને સગા-સંબંધીઓએ લેખિત નિવેદન આપીને હાલ પૂરતા લગ્ન મોકૂફ રાખ્યા હતા અને બાળક પુખ્ત વયનું થાય ત્યારબાદ જ લગ્ન કરશે, તેવી બાંહેધરી આપી હતી. આમ, ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમની સમયસરની કાર્યવાહીના કારણે એક સગીર બાળકીનું ભવિષ્ય બચી ગયું છે.