નવસારીમાં જૂની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો કરનાર આરોપી ઝડપાયા

શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના બની છે, જેમાં જૂની અદાવતના કારણે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જાકે, નવસારી ટાઉન પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે ત્રણેય આરોપીઓને હથિયારો સાથે ઝડપવામાં આવ્યા છે, જેને કારણે શહેરમાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી માહિતી મુજબ, ગત ૧૭મી એપ્રિલની રાત્રે નવસારીના વિરાવળ નાકા નજીક આવેલી ‘હિંદ ચા-નાસ્તા’ની દુકાન પાસે આ ઘટના બની હતી. કાગદીવાડ વિસ્તારમાં રહેતા ઇમરાન તૈયબ શેખ પર ત્રણ હુમલાખોરોએ અચાનક ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જૂની અદાવતને કારણે આસીફ ઉર્ફે ફ્રૂટ પઠાણ અને તેના સાગરીતોએ ઇમરાન પર આડેધડ ઘા ઝીંકતા તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. હુમલા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા, જ્યારે ઇમરાનને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટનાની જાણ થતા જ નવસારી ટાઉન પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે ફિલ્મી ઢબે કામગીરી કરી થોડા જ સમયમાં મુખ્ય સૂત્રધાર મોહંમદ, આસીફ, ઉર્ફે ફ્રૂટ પઠાણ સહિત ત્રણેય આરોપીઓને હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા.નોંધનીય છે કે આસીફ અગાઉ પણ એપીએમસી નજીક થયેલી મારામારીમાં સંડોવાયેલો હતો. પોલીસની આ ઝડપી કાર્યવાહીને કારણે શહેરમાં લુખ્ખા તત્વોમાં ભયનો માહોલ ઉભો થયો છે. હાલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.