
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ૪૮ વોર્ડની ચૂંટણી માટે ફોર્મની ચકાસણી બાદ ૮૨૦ ફોર્મ રદ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ૩ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. આમ, ૧૫૫૩ ફોર્મ ભરાયા બાદ ફોર્મની ચકાસણી બાદ ૭૩૦ ફોર્મ માન્ય રહ્યા છે. હવે બુધવાર સુધીમાં ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે. જેથી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. ગત ચૂંટણીમાં ૯૦૩ ઉમેદવારોના ફોર્મ ચકાસણી બાદ રદ જાહેર કરવામાં આવ્યા હતા.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી માટે ૬ એપ્રિલથી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ચાર દિવસોમાં તો ખૂબ જ ઓછી સંખ્યામાં ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ છેલ્લા દિવસે ફોર્મ ભરવા માટે ભારે ધસારો રહ્યો હતો અને ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો માટે ૧૫૫૩ જેટલા ફોર્મ ભરાયા હતા. જેમાં ઘણા ઉમેદવારોએ એક કરતા વધુ ફોર્મ ભર્યા હોવાના લીધે આંકડો વધુ રહ્યો હતો. ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ફોર્મની ચકાસણીની કાર્યવાહી સોમવારના રોજ હાથ ધરવામાં આવી હતી. ફોર્મની ચકાસણી વખતે ૧૫૫૩ ફોર્મ પૈકી ૮૨૦ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. ફોર્મમાં ભૂલ હોવાના લીધે તથા અન્ય ટેકનિકલ કારણોસર ફોર્મ રદ કરાયા હતા. જાકે, મોટાભાગના રદ થયેલા ફોર્મ અપક્ષ ઉમેદવારોના હોવાનું જણાયું છે. આમ, ફોર્મની ચકાસણી દરમિયાન જ ૩ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. જેમાં એક ફોર્મ ઘાટલોડિયા બેઠક પર, એક ફોર્મ લાંભા બેઠક પર અને એક ફોર્મ દાણીલીમડા બેઠક પર પરત ખેંચવામાં આવ્યો હતો. જેના પગલે ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ૭૩૦ ફોર્મ માન્ય રહ્યા હતા.
દરિયાપુર વોર્ડમાં ચૂંટણી જંગ રસપ્રદ બનતો હોય છે. ભાજપ આ બેઠક જીતવા માટે એડીચોટીનું જાર લગાવે છે અને દર વખતે મોટી સંખ્યામાં મુસ્લિમ અપક્ષ ઉમેદવારોની દાવેદારીથી જંગ રોમાંચક બનતો હોય છે. જાકે, આ વખતે મુસ્લિમ અપક્ષ ઉમેદવારોના ફોર્મમાં ટેકેદારો અને દરખાસ્ત કરનારા લોકોની જાણ બહાર તેમની સહી કરવામાં આવી હોવાની વિગતો ખૂલી હતી. આ ટેકેદારો અને દરખાસ્ત કરનારાએ સહી કરી ન હોવા છતાં તેમના નામ દર્શાવ્યા હોવાના મુદ્દે કોંગ્રેસના ઉમેદવાર નિરવ બક્ષીએ વિરોધ નોંધાવ્યો હતો. જે લોકોના નામ ટેકેદારમાં હતા તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ સહી કરી ન હોવાની કબૂલાત પણ કરી હતી. આમ, ખોટી રીતે ફોર્મ ભરાયા હોવાના આક્ષેપ સાથે મામલો ગરમાયો છે.
અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૩૪ બેઠકો માટે ૧૪૯ ફોર્મ ભરાયા હતા. જેમાં ચકાસણીના અંતે ૩૧ ફોર્મ રદ કરાયા હતા અને ૧૧૮ ફોર્મ માન્ય રહ્યા હતા. જ્યારે નગરપાલિકાની ચૂંટણી માટે ૪૯ ફોર્મ રદ થયા હતા અને ૨૩૯ ફોર્મ માન્ય રહ્યા હતા. તાલુકા પંચાયતની ચૂંટણી માટે પણ ૧૪૨ ફોર્મ રદ કરાયા હતા અને ૪૯૩ ફોર્મ માન્ય રખાયા હતા. આમ, ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે બુધવારે ફોર્મ પરત ખેંચવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ખરેખર કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તે સ્પષ્ટ થશે.