જુગારમાં ચીટિંગની શંકા રાખી મુંબઈથી આવેલા યુવાનને નવસારીમાં પતાવી દીધો

નવસારીમાં જુગાર રમવા બેઠેલા લોકો વચ્ચે ચિટિંગની આશંકામાં મારામારી થઈ હતી. તેમાં મુંબઈથી આવેલા બે મિત્રો પૈકી એક યુવાન દિલશેરનું મોત નિપજ્યું હતું. નવસારી ન્ઝ્રમ્ પોલીસે આ હત્યામાં સામેલ તમામ ૬ આરોપીઓને નેશનલ હાઇવે નંબર ૪૮ પરથી ઝડપી પાડ્યા છે.

નવસારી પોલીસના કહેવા પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ મુંબઈમાં ડ્રાઇવર તરીકે કામ કરતા દિલશેર ઉર્ફે રાજુ મલ્લુખાન તેમજ મહારાષ્ટ્રના વસઈ ખાતે રહેતા મોહમ્મદ નાયર નંદુરબાર ફરવા ગયા હતા. આ વાતની ખબર પડતાં વલસાડમાં રહેતા તેમના મિત્ર પરવેઝે તેમને જુગાર રમવા માટે નંદૂરબારથી રિટર્ન જતી વખતે નવસારી બોલાવ્યા હતા એટલે બંને મિત્રો નવસારી આવ્યા હતા.

પરવેઝ બંને મિત્રો દિલશેર અને મોહમ્મદને ગણેશ સિસોદ્રા ગામ નજીકના ખેતરની ખુલ્લી જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં સ્થાનિક જુગારીયાઓ સાથે તેમની મુલાકાત કરાવી હતી. બધા સાથે દિલશેર અને મોહમ્મદ નાયર પણ જુગાર રમવા બેઠા હતા. જુગારમાં દિલશેર સતત જીતતો જ જતા હોવાથી અન્ય જુગારીયાઓને તેના પર ચિટીંગ કરતો હોવાની શંકા ગઈ હતી. શંકા વધતાં જ અશોક ઉર્ફે હસલો હળપતિ અને ભૌતિક પ્રજાપતિએ દિલશેર સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને તમામ ૬ જુગારીયાઓ દિલશેર અને મોહમ્મદ નાયર પર તૂટી પડ્યા હતા અને બંનેને ઢોર માર માર્યો હતો.

ગંભીર રીતે ઘાયલ બંનેને બાદમાં એક કારમાં બેસાડી નવસારીના ગ્રીડ નજીક નેશનલ હાઇવે નં-૪૮ પર છોડીને બધા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. દિલશેરની હાલત ગંભીર બનતાં તેને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુ સારવાર માટે તેને વલસાડ લઈ જવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું દુઃખદ મૃત્યુ નીપજ્યું હતું.નવસારી એલસીબીના જણાવ્યા પ્રમાણે પકડાયેલા આરોપીઓમાં મંથન બોરડ, ભૌતિક પ્રજાપતિ, અશોક ઉર્ફે હસલો હળપતિ, જીગો પટેલ, પ્રતીક ઉર્ફે કાતર હળપતિ અને કેવિન પટેલનો સમાવેશ થાય છે. તમામને નવસારી ગ્રામ્ય પોલીસને સોંપી દીધા છે અને રિમાન્ડ મેળવી તપાસ આગળ વધારી છે.