પંચમહાલ,દાહોદ, છોટાઉદેપુર જિલ્લાના ૧૮ તાલુકાની ૫૧,૪૮૦ હેકટર જમીનમાં સિંચાઈની સુવિધા મળે

બજેટમાં નર્મદા આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાની મંજુરી મળતા રાહત

ગુજરાત વિધાનસભામાં રજુ થયેલા રાજયના બજેટમાં આદિવાસી બહુલ છોટાઉદેપુર-દાહોદ અને પંચમહાલ જિલ્લાઓ માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ વિકાસને નવી દિશા આપતી ‚.૫૪૦૦ કરોડની વિશાળ નર્મદા આધારિત ઉદ્વહન (લિફટ)સિંચાઈ યોજનાને મંજુરી આપવામાં આવી છે. આ મહાયોજનાથી ત્રણ જિલ્લાના કુલ ૧૮ તાલુકાની ૫૧.૪૮૦ હેકટર જમીન સિંચાઈ હેઠળ આવવાની છે. જેના પરિણામે હજારો ખેડુતોને સીધો લાભ મળશે. વર્ષો સુધી જમણા કાંઠાના વિસ્તારોમાં નર્મદા કેનાલનુ પુરતુ માળખું ન હોવાના કારણે ખેડુતોને વરસાદ આધારિત ખેતી કરવી પડતી હતી. ધણી જગ્યાએ સિંચાઈ માટે તળાવો અને કુવાઓ પર નિર્ભરતા હતી. જેના કારણે એક જ પાક સુધી ખેતી મર્યાદિત રહી જતી. હવે નર્મદાના પાણીનુ ઉદ્વહન કરીને ઉંચાણવાળા તથા કેનાલથી વંચિત ગામોમાં પાણી પહોંચાડવામાં આવશે. જે ખેતી માટે ક્રાંતિકારી સાબિત થશે. આ મહાયોજનાને અમલમાં લાવવા માટે ધારાસભ્યો અભેસિંહભાઈ પડવી-રાજેન્દ્રસિંહ રાઠવા-જેંતીભાઈ રાઠવા તેમજ સાંસદ જશુભાઈ રાઠવાએ મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રી સમક્ષ વારંવાર રજુઆતો કરી હતી. બજેટમાં આ પ્રોજેકટને મંજુરી મળતા સમગ્ર આદિવાસી પટ્ટામાં આનંદ સાથે આશાની લાગણી છવાઈ ગઈ છે. ખેડુતોમાં વિશ્ર્વાસ વ્યકત થયો કે આ યોજના પ્રદેશના સર્વાંગી વિકાસ માટે માઈલ્સ્ટોન સાબિત થશે.