
દાહોદ જીલ્લાના લીમખેડામાં આવેલ હરિહર સ્કૂલમાં ધોરણ સાતમા અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ અગમ્ય કારણોસર કેમ્પસ માંથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી જતા પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી બંને વિદ્યાર્થીઓને સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શોધી કાઢવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
લીમખેડામાં આવેલ હરિહર સ્કુલનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ હરિહર શાળા લીમખેડાના કેમ્પસમાંથી વહેલી સવારે અગમ્ય કારણોસર કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક જતા રહ્યા હતા. આ અંગેની જાણ શાળા સંકુલને થતા શાળા સંકુલના જવાબદારો દ્વારા બંને ગુમસુદા વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરી હતી. પોતાના બાળકો ક્યાંક ચાલ્યા ગયા હોવાની ખબરોની સાથે જ વાલીઓ અચંબામાં મુકાઈ ગયા હતા અને ગભરાઈ ગયા હતા. શાળા સંચાલકો અને વાલીઓ દ્વારા પોતપોતાના માધ્યમથી વિદ્યાર્થીઓને શોધી કાઢવાના તમામ પ્રયાસો હાથ કર્યા હતા પરંતુ બંને વિદ્યાર્થીઓ ક્યાંથી એ મળી આવ્યા ન હતા. જેથી આ અંગેની જાણ લીમખેડા પોલીસ સ્ટેશન એ કરવામાં આવી હતી. લીમખેડા પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ પોલીસે સર્વેલન્સની મદદ થી તેમજ પોલીસે અલગ અલગ ટીમો બનાવી બંને વિદ્યાર્થીઓને શોધી કાઢવા માટે તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો. જેમાં આખરે પોલીસની સફળતાએ રંગ લાવી હતી અને બંને વિદ્યાર્થીઓ સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવ્યા હતા. બંને વિદ્યાર્થીઓને તેઓના વાલીઓને સોંપવામાં આવતા વાલીઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી, તો બીજી તરફ ઉપરોક્ત બનાવને પગલે હરિહર સ્કૂલની વ્યવસ્થા તેમજ સંચાલન પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. કેમ્પસની બહાર વિદ્યાર્થીઓ કઈ રીતે પહોંચી ગયા ? શું કેમ્પસની બહાર અને કેમ્પસ પટાંગણમાં કોઈ પ્રકારની દેખરેખની નિગરાણી માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી ? વિદ્યાર્થીઓ કેમ્પસમાંથી શાળા સંચાલકોની નજર હેઠળ બહાર કેવી રીતે ચાલ્યા ગયા? જેવા અનેક સવાલો સાથે હરિહર સ્કૂલ લીમખેડાની વ્યવસ્થાઓ પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.