છોટાઉદેપુર તાલુકાના ભીલપુર જુથ ગ્રામ પંચાયતના સરપંચના નામનો બોગસ લેટરપેડ બનાવી સુરત ખાતે આવેલી ગુજરાત જમીન વિહોણા મજુરો અને હળપતિ ગૃહ નિર્માણ બોર્ડને પત્ર લખી 70 આવાસની દરખાસ્ત રદ્દ કરવાનો પત્ર આવ્યો હતો. સરપંચ ભીલપુર જુથ ગ્રામ પંચાયતના લેટરપેડનો કોઈ ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે.
ભીલપુર જુથ ગ્રામ પંચાયતમાં અછાલા, અછેટા, વિઝોલ, ચોરવાણ, ભીલપુર પાંચ ગામોનો સમાવેશ થાય છે. જયારે અછાલા ગામમાં નાયક સમાજની વસ્તી વધારે હોય સમાજના લોકો જમીન વિહોણા અને કાચા મકાન ધરાવતા હોય તેઓના સરકારના ગુજરાત જમીન વિહોણા મજુરો અને હળપતિ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા આવાસ આપે છે. જેની દરખાસ્ત ગ્રામ પંચાયત દ્વારા અને લાભાર્થીઓ દ્વારા સુરત ખાતે આવેલી કચેરીમાં ફોર્મ ભરી ગ્રામજનો મોકલે છે. જયારે દરખાસ્તમાં 70 જેટલા આવાસો માટે ગ્રામજનોએ ફોર્મ ભર્યા હતા. પરંતુ સુરત ખાતેની કચેરીમાં સરપંચના નામથી એક બોગસ લેટર વગર તારીખનો નાયબ કાર્યપાલક ઈજનેર હળપતિ ગૃહ નિર્માણ વિભાગની કચેરી સુરત ખાતે મોકલતા ત્યાંની કચેરી દ્વારા ગ્રામ પંચાયતને તા.18/11/25ના રોજ આવાસની માંગણીની અરજીઓ પરત કરે છે. તેવો પત્ર આવતા ગ્રામ પંચાયતના સરપંચ પણ ચોંકી ઉઠ્યા હતા. સરપંચના બોગસ લેટરપેડ બાબતે પોલીસ ફરિયાદ કરવાના છે કે નહિ તે બાબતે પુછતા તેઓ પોલીસ ફરિયાદ નથી કરવાના તેવુ જણાવ્યુ હતુ પરંતુ સાથે તેઓએ જણાવ્યુ હતુ કે, હળપતિ આવાસ બનાવવા માટે કોન્ટ્રાકટ આપે છે. અને કોન્ટ્રાકટરોની લડાઈમાં આવા બોગસ લેટરનો ઉપયોગ કર્યો છે પરંતુ અહિં સરપંચની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે, સરપંચનો બોગસ લેટરપેડ વપરાયો છે. તો પોલીસ ફરિયાદ કરવી જોઈએ. આવા બોગસ લેટરથી 70 પરિવારોને મળનાર આવાસનો લાભ રદ્દ થતો હોય તો સરપંચે આની સામે કાર્યવાહી કરવા આગળ આવવુ જોઈએ.