ગુજરાતમાં વરસાદ મનમૂકીને વરસતા નદીઓ, ડેમ, જળાશયો ઓવરફ્લો થયા છે. ત્યારે ડેમનું પાણી નદીમાં છોડાતા કેટલીક નદીઓના જળસ્તરમાં વધારો થવા પામ્યો છે. તેવી જ રીતે અમદાવાદની સાબરમતી નદીમાં પાણી છોડાતા હાલ નદી બે કાંઠે વહી રહી છે. પરિણામે અમદાવાદ રિવરફ્રન્ટ વોક વે બંધ કરવામાં આવ્યો છે.
વાસણા બેરેજના 7 દરવાજાઓ 1 ફૂટ સુધી ખોલી દેવાયા
અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજમાંથી પાણી છોડાયું છે. વાસણા બેરેજના 7 દરવાજાઓ 1 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. અત્યારે વાસણા બેરેજનું લેવલ 129 મીટર છે. વાસણા બેરેજ બાદ સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવશે. સંત સરોવર ડેમમાંથી 15000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. સાબરમતી નદીમાંથી પાણી છોડતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.
બનાસકાંઠા-સાબરકાંઠામાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ
વધુમાં જણાવીએ કે, આજ રોજ ગુજરાતના 20થી વધુ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છમાં તો સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં તો નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. એ સિવાય દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી, સુરત અને વલસાડના પણ અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.