પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં એસ.ટી.માં સવારી કરતા 1.91 લાખ મુસાફરો પર વર્ષે 8 કરોડનુ આર્થિક ભારણ વઘ્યુ

એસ.ટી.નિગમ દ્વારા રાજયમાં ભાડામાં વધારો કરવાની જાહેરાત કરાઈ છે. 31 ડિસેમ્બરની મધરાત્રિના 12 વાગ્યાથી એસ.ટી.બસના ભાડામાં સરેરાશ 3 ટકાનો વધારો અમલી બનાવ્યો છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને મહિસાગરના ગ્રામિણ અને શહેરી વિસ્તારોને જોડતા રૂટો પર મુસાફરી કરતા લાખો લોકો માટે આ નવુ વર્ષ આર્થિક બોઝ સાથે શરૂ થયુ છે.

ગોધરા વિભાગ હેઠળ પંચમહાલ, દાહોદ અને મહિસાગરના મુખ્ય 7 ડેપોનો સમાવેશ થાય છે. જેમાં ગોધરા, દાહોદ, હાલોલ, ઝાલોદ, દે.બારીઆ, લુણાવાડા, સંતરામપુર ડેપો કાર્યરત છે. કુલ 516 એસ.ટી.બસોનુ સંખ્યાબળ છે. જે દૈનિક 497 ટ્રીપ દ્વારા મુસાફરોને સેવા પુરી પાડે છે. આ બસો દરરોજ સરેરાશ 2.53 લાખ કિ.મી.નુ અંતર કાપે છે. રોજના અંદાજે 1.91 લાખ મુસાફરો મુસાફરી કરે છે. એસ.ટી.વિભાગના આંકડા મુજબ આ સાતેય ડેપોની દેૈનિક સરેરાશ આવક 73.98 લાખ છે. હવે 3 ટકાના ભાવ વધારાને પગલે નિગમની આવકમાં દૈનિક અંદાજે 2.21 લાખનો વધારો થશે. આ આંકડાને માસિક ગણતરીમાં લેવાય તો મુસાફરો પર દર મહિને 66.60 લાખ રૂપિયા અને વાર્ષિક સ્તરે અંદાજે 7.99 કરોડ રૂપિયા એટલે કે, લગભગ 8 કરોડ જેટલુ તોતિંગ આર્થિક ભારણ આવી પડશે. નિગમ દ્વારા ભાડા વધારામાં ટુંકા અંતરના મુસાફરોને આંશિક રાહત આપવામાં આવી છે. 0 થી 9 કિ.મી.ના અંતર સુધીના પ્રવાસમાં ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જયારે 10 થી 60 કિ.મી.ના સ્લેબમાં મુસાફરી કરનારા મુસાફરો માટે ટિકીટ દીઠ રૂ.1નો વધારો કરવામાં આવ્યો છે. 60 કિ.મી.થી વધુ લાંબા અંતરની મુસાફરી માટે સરેરાશ 3 ટકા લેખે ભાડું વસુલવામાં આવશે. આમ, રોજગારી અને અભ્યાસ માટે એસ.ટી.બસ પર નિર્ભર રહેતા મઘ્યમ અને ગરીબ વર્ગના મુસાફરો માટે હવે મુસાફરી મોંઘી બની છે. ખાસ કરીને દાહોદ અને પંચમહાલના આંતરિયાળ વિસ્તારોમાંથી જિલ્લા મથકે આવતા હજારો લોકોના માસિક બજેટ પર આ વધારાની સીધી અસર પડશે.