વડોદરામાં ૨૮ કિ.મીનો રીંગ રોડ બનીને તૈયાર, એક મહિનામાં ખુલ્લો મુકાશે, સુરતથી અમદાવાદ જવા- આવવામાં સરળતા

વડોદરા મહાનગરપાલિકા અને વુડા દ્વારા બનાવાયેલો રીંગ રોડ આગામી એક મહિનામાં જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. ૨૮ કિમીના આ રીંગ રોડની મોટાભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રોડ શરૂ થયા બાદ સુરતથી અમદાવાદ વચ્ચે પસાર થતા વાહનચાલકો શહેરમાં પ્રવેશ કર્યા વગર સીધા જઈ શકશે. રિવ્યૂ બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ માહિતી અપાઈ છે.

વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને શહેરના વિવિધ વિકાસલક્ષી કાર્યો અને પ્રાથમિક સુવિધાઓની સમીક્ષા માટે મહત્વપૂર્ણ રિવ્યૂ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માળખાકીય વિકાસ, સ્વચ્છતા તેમજ જળ વ્યવસ્થાપન જેવા પાયાના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. કમિશનરે સમગ્ર શહેરમાં સ્વચ્છતા જાળવવા પર વિશેષ ભાર મૂક્યો હતો અને સફાઈ કામગીરીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન દાખવવા અધિકારીઓને કડક સૂચના આપી હતી.

શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે આ બેઠકમાં રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તૈયાર કરાયેલો મહત્વાકાંક્ષી રીંગ રોડ આગામી એક મહિનામાં જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. અંદાજે ૨૮ કિલોમીટર લાંબો આ રીંગ રોડ કાર્યરત થતાં સુરત અને અમદાવાદ હાઈવે પરથી પસાર થતા ભારે તેમજ અન્ય વાહનચાલકોને શહેરની અંદર પ્રવેશ્યા વિના સીધો બાયપાસ રસ્તો મળી રહેશે. પરિણામે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે અને મુસાફરોના સમય તથા ઈંધણની બચત થશે.

રિવ્યૂ બેઠકમાં શહેરના જળ પુરવઠા અને પાણીની સ્થિતિની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે શહેરીજનોએ પાણીની કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે તંગી અંગે ચિંતા કરવાની જરૂર નથી. શહેરને પૂરતું પીવાનું પાણી મળી રહે તે માટે આજવા સરોવરમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ મારફતે નર્મદાનું પાણી ઠાલવીને જળસ્તર જાળવવાની કામગીરી સતત ચાલી રહી છે.

ફેબ્રુઆરી અને માર્ચ મહિનાથી શરૂ થતી ઉનાળાની ઋતુ દરમિયાન જો પાણીની માંગ વધે કે કોઈ મુશ્કેલી ઊભી થાય, તો તેને પહોંચી વળવા એસએસએનએલ પાસેથી વધુ પાણી મેળવવાનું આગોતરું આયોજન અને સંપૂર્ણ તૈયારી પણ પાલિકા તંત્રએ કરી લીધી છે. આમ, વહીવટી તંત્ર વડોદરાના શહેરીજનોને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવા માટે સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.