પાવીજેતપુરમાં ખેતર માંથી બે અજગર 10 અને 6 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કરી જંગલમાં છોડાયા

પાવીજેતપુર તાલુકાના ભીંડોલ ગામે એક ખેતરમાંથી બે મહાકાય અજગર મળી આવ્યા હતા. કરસણ ગામના સર્પ નિષ્ણાત મિતેશભાઈ રાઠવાએ ભારે જહેમત બાદ બંને અજગરોને સુરક્ષિત રીતે પકડી જંગલમાં મુક્ત કર્યા હતા, જેનાથી ગ્રામજનોએ રાહત અનુભવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભીંડોલ ગામના કાબલાભાઈ અમરસિંગભાઈ રાઠવાના ખેતરમાં સૂકાઈ ગયેલા વૃક્ષોને જેસીબી મશીન દ્વારા દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન બે અલગ-અલગ વૃક્ષોના પોલાણવાળા થડમાંથી અચાનક અજગરો દેખાઈ આવતા કામ કરી રહેલા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

આ અજગરો પૈકી એક આશરે 10 ફૂટ લાંબો અને બીજો 6 ફૂટ લાંબો હોવાનું જણાયું હતું. ઘટનાની જાણ થતાં જ કરસણ ગામના સાપ પકડવાના નિષ્ણાત મિતેશભાઈ દેવેન્દ્રભાઈ રાઠવા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.

મિતેશભાઈએ ભારે જહેમત બાદ બંને અજગરોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધા હતા અને બાદમાં તેમને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યા હતા. મિતેશભાઈ રાઠવા આ ક્ષેત્રમાં લાંબા સમયથી માનદ સેવા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, માનવ અને વન્યજીવ બંનેના જીવ બચાવવા તે તેમનો મુખ્ય હેતુ છે. તેમણે અત્યાર સુધીમાં 5000થી વધુ સાપ અને અજગરોને પકડીને જંગલમાં છોડી ચૂક્યા છે. તેમની આ નિ:સ્વાર્થ કામગીરીની પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે.