
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આજે તંત્રએ અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના હાર્દ સમાન અને પ્રાઈમ લોકેશન ગણાતા સરદાર સ્ટેચ્યુ વિસ્તારમાં આવેલી ’સરદાર ભુવન’ની ૪૮ જેટલી દુકાનોને આજે વહેલી સવારથી તોડી પાડવાનું મેગા ડિમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહીને પગલે સમગ્ર શહેરમાં ભારે ઉત્તેજના અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.
નડિયાદ સરદાર સ્ટેચ્યુ વિસ્તારમાં આવેલી સરદાર ભુવનમાં હાલ ડિમોલેશન હાથ ધરાયું છે. આ મેગા ડિમોલિશન માટે તંત્રએ ખાસ રણનીતિ બનાવી હતી. વહેલી સવારે ૪ વાગ્યાથી જ અનેક જેસીબી મશીનો, હિટાચી, ક્રેન અને કોર્પોરેશનનો મોટો કાફલો ઘટનાસ્થળે ત્રાટક્યો હતો. કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે એસ.પી. સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. વીજ કંપની દ્વારા તકેદારીના ભાગરૂપે સમગ્ર વિસ્તારનો પાવર સપ્લાય કાપી નાખવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, આ સરદાર ભુવન કોમ્પ્લેક્સનું નિર્માણ નડિયાદ નગરપાલિકા દ્વારા વર્ષ ૧૯૭૮માં કરવામાં આવ્યું હતું અને છેલ્લા સાડા ચાર દાયકાથી અહીં વિવિધ વેપારીઓ પોતાનો વ્યવસાય કરી રહ્યા હતા. જોકે, આ ઈમારત વર્ષો જૂની હોવાથી ટેકનિકલ દ્રષ્ટિએ ’જર્જરિત’ જાહેર કરવામાં આવી હતી.
જે બાદ જનહિત અને જાહેર સુરક્ષાને યાને રાખી નડિયાદ કોર્પોરેશન દ્વારા અગાઉ અનેક વખત વેપારીઓને દુકાનો ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ, વેપારીઓ પોતાની રોજીરોટી છીનવાઈ જવાના ડરથી આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા.
બાદમાં આ મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંત્યો હતો અને લાંબા સમય સુધી આ મામલો હાઈકોર્ટમાં ચાલતો હતો. વેપારીઓએ સ્ટે મેળવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ અંતે અદાલતે સુરક્ષાના કારણોસર તંત્રની કાર્યવાહીને લીલી ઝંડી આપી હતી. હાઈકોર્ટના ચુકાદા બાદ કોર્પોરેશને આજે આખરે એક્શન મોડમાં આવીને ડિમોલિશન શરૂ કર્યું છે.
આજે જેવી ડિમોલિશનની કામગીરી શરૂ થઈ, કે તરત જ નડિયાદના મુખ્ય બજારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘણા વેપારીઓ પોતાની વર્ષો જૂની દુકાનોને જમીનદોસ્ત થતી જોઈ ભાવુક થયા હતા. તંત્રની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણો અને જર્જરિત મિલક્તો ધરાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. નડિયાદ મહાનગરપાલિકા હવે શહેરના આધુનિકીકરણ અને નવા આયોજન તરફ આગળ વધી રહી હોય તેવું આ ડિમોલિશન પરથી સ્પષ્ટ દેખાય છે.