મોરબીના રાજપર રોડના ગોડાઉનમાંથી યુરિયાની ૧૨૭૨ બેગ ઝડપાઈ, ‘જય એગ્રો’નું ગોડાઉન સીલ

મોરબી એસઓજીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજપર રોડ વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં યુરિયા ખાતરની બેગ મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા.પ્રાથમિક ગણતરીમાં આશરે ૧૨૭૨ બેગ યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. આટલા મોટા પ્રમાણમાં ખાતરનો જથ્થો એક જ સ્થળેથી મળી આવતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

પોલીસની કાર્યવાહી દરમિયાન સામે આવેલી માહિતીના આધારે આ ગોડાઉન ‘જય એગ્રો’ નામની પેઢી સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કૃષિ વિભાગના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી.કૃષિ વિભાગની ટીમ સ્થળ પર પહોંચ્યા બાદ મળેલા ખાતરના જથ્થાની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ તમામ ૧૨૭૨ બેગને કબજામાં લઈ ગોડાઉન સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

આ મામલે સૌથી મોટો સવાલ એ છે કે ખેડૂતોને રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવતું સબસીડીયુક્ત યુરિયા ખાતર આટલા મોટા પ્રમાણમાં ગોડાઉનમાં કેવી રીતે પહોંચ્યું? પ્રાથમિક તબક્કે આ ખાતરનો ખેતી સિવાયના એટલે કે ઔદ્યોગિક અથવા કોમર્શિયલ ઉપયોગ માટે ડાયવર્ઝન કરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જાકે, ખાતરનો જથ્થો કઈ રીતે મેળવવામાં આવ્યો અને તેનો વાસ્તવિક ઉપયોગ ક્્યાં થવાનો હતો તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.તપાસ દરમિયાન પોલીસ અને કૃષિ વિભાગ દ્વારા એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે ખેડૂતોના નામે નિયમિત ખરીદી દર્શાવીને યુરિયાનો જથ્થો ગોડાઉનમાં એકત્રિત કરવામાં આવ્યો હતો કે કેમ.આ માટે ખાતરની ખરીદી-વેચાણના રેકોર્ડ, બિલો, સ્ટોક રજિસ્ટર તથા સંબંધિત દસ્તાવેજાની ચકાસણી કરવામાં આવી રહી છે.

મોરબી એસઓજી અને કૃષિ વિભાગે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ખાતરનો જથ્થો ક્્યાંથી આવ્યો, કોને સપ્લાય કરવામાં આવ્યો અને આગળ ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે.આ ઉપરાંત ‘જય એગ્રો’ના સંચાલકો ઉપરાંત અન્ય વેપારીઓ, સપ્લાયરો અથવા ઔદ્યોગિક એકમોની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.ખેડૂતોને સબસીડીના લાભ સાથે મળતું યુરિયા ખાતર જા ગેરકાયદેસર રીતે અન્ય હેતુ માટે વાળવામાં આવતું હોય તો તે ખેડૂતોના હિતને સીધી અસર કરી શકે છે. તેથી આ કેસમાં માત્ર ગોડાઉન સુધીની તપાસ નહીં પરંતુ સમગ્ર સપ્લાય ચેઇન સુધી પહોંચીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તેના પર હવે નજર રહેશે.હાલમાં ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું છે અને જપ્ત કરાયેલા ખાતરના જથ્થા તથા સંબંધિત દસ્તાવેજાની તપાસ બાદ સમગ્ર પ્રકરણમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.