
ગુજરાતમાં હાલ ઉત્તર-પૂર્વ અને પૂર્વીય પવન ફૂંકાતા હવામાનમાં ઠંડીનો માહોલ યથાવત છે. ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સવાર અને રાત્રીના સમયે કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યમાં સૌથી ઓછું ૧૧.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નલિયામાં નોંધાયું છે, જે દર્શાવે છે કે ઠંડીનો પ્રભાવ હવે વધુ તીવ્ર બનતો જઈ રહ્યો છે.
નવા વર્ષની ઉજવણી પહેલા ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, ૩૦ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે. જેના કારણે વાતાવરણમાં ભેજ વધશે, ઠંડી પવનની ઝડપ વધશે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.આઇએમડીએ ઉત્તર ભારત માટે ગાઢ ધુમ્મસ અને ઠંડીની લહેરની ચેતવણી જાહેર કરી છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે.
હવામાનમાં અંબાલાલ પટેલે રાજ્ય માટે મહત્વની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ, ૩૦ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન ઉત્તર ભારતના વિસ્તારોમાં સખત ઠંડી પડશે. જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન માઈનસ ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેના કારણે ઠંડીની અસર દક્ષિણ તરફ પણ વિસ્તરશે.
હવામાન આગાહીમાં અંબાલાલ પટેલ મુજબ, ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે, મય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે, સૌરાષ્ટ્રના રાજકોટ, કચ્છ અને અમરેલીમાં તીવ્ર ઠંડી રહેશે, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડી અનુભવાશે. આ દરમિયાન રાજ્યમાં વાદળ આવવાની શક્યતા છે, પરંતુ માવઠાની કોઈ મોટી શક્યતા નથી જણાઈ. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ૩૦ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર દરમિયાન સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે. જેના કારણે પવનની દિશા બદલાશે અને તાપમાનમાં થોડો ઉતાર-ચઢાવ જોવા મળશે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ ઠંડીનું જોર વધુ વધશે.