ગાંધીનગરના ગામડાંઓમાં સત્તાની જંગની તૈયારીઃ દહેગામમાં સૌથી વધુ ૮૫થી વધુ પંચાયતોમાં ચૂંટણી

ગાંધીનગર જિલ્લામાં ૨૦૦થી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પૂર્વે પ્રાથમિક મતદાર યાદી જાહેર થતાં જ સ્થાનિક આગેવાનો અને સંભવિત ઉમેદવારો સક્રિય થયા છે. બેલેટ પેપરથી યોજાનારી આ ચૂંટણીઓ માટે જિલ્લાના ચારેય તાલુકામાં કુલ ૪,૪૮,૨૨૪ મતદારો નોંધાયા છે. હવે મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરાવવા અને સુધારા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

ચૂંટણી પંચના આદેશ અનુસાર ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં ચૂંટણી યોજાનારી ગ્રામ પંચાયતોના વોર્ડની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મતદારોને યાદીમાં નામ ઉમેરવા, નામ કમી કરાવવા અથવા વિગતોમાં સુધારો કરાવવા માટે ૨૩ નવેમ્બર સુધી તક આપવામાં આવી છે.

આ પ્રક્રિયાને પગલે સ્થાનિક રાજકીય આગેવાનો અને સંભવિત ઉમેદવારો પોતાના સમર્થકોનાં નામ મતદાર યાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરી રહ્યા છે. અરજીઓ અને દાવા-વાંધાઓના નિકાલ બાદ ૨૭ નવેમ્બરે આખરી ફોટાવાળી મતદાર યાદી જાહેર કરવામાં આવશે.

તાલુકાવાર આંકડા મુજબ ગાંધીનગર તાલુકામાં અંદાજે ૫૪ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ૧,૭૩,૭૪૪ મતદારોની પ્રાથમિક યાદી તૈયાર કરવામાં આવી છે. જ્યારે દહેગામ તાલુકામાં ૮૫થી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. અહીં કુલ ૧,૭૨,૦૬૬ મતદારો નોંધાયા છે.

માણસા તાલુકામાં સામાન્ય અને પેટાચૂંટણી હેઠળ કુલ ૪૯ વોર્ડમાં ચૂંટણી યોજાવાની છે, જેમાં ૫૮,૪૫૪ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બીજી તરફ કલોલ તાલુકાનાં અંદાજે ૩૦ ગામોમાં ચૂંટણી યોજાશે, જ્યાં ૪૩,૯૬૦ મતદારોની પ્રાથમિક યાદી જાહેર કરવામાં આવી છે. ચારેય તાલુકાના આંકડા જાતાં ગ્રામ્ય વિસ્તારોમાં સત્તા મેળવવા માટે સ્થાનિક આગેવાનો અને રાજકીય પક્ષો વચ્ચે રસાકસી જોવા મળી શકે છે. બેલેટ પેપરથી મતદાન થવાનું હોવાથી અત્યારથી જ મતદારોને રિઝવવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.મતદાર યાદી અંગેની દાવા-વાંધાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૨૭ નવેમ્બરે આખરી યાદી પ્રસિદ્ધ થશે. ડિસેમ્બરના અંતમાં ચૂંટણીઓ યોજાવાની સંભાવનાને પગલે ગામડાંઓમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.