
પાકિસ્તાન પર ઇંગ્લેન્ડની રોમાંચક જીતે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં એવી હલચલ મચાવી દીધી છે જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. પરિસ્થિત એવી બની રહી હોય તેવું લાગે છે કે મેન્સ વર્લ્ડ કપના ૫૧ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ભારત, પાકિસ્તાન કે શ્રીલંકાની કોઈ પણ ટીમ સેમિફાઇનલમાં જાવા નહીં મળે. જા આવું થાય તો ઇતિહાસ રચાશે. ખાસ કરીને જ્યારે આ ટુર્નામેન્ટ ભારતીય ઉપખંડમાં યોજાઈ રહી છે.
છેલ્લા પાંચ દાયકામાં, કુલ ૨૩ મેન્સ વનડે અને ટી ૨૦ વર્લ્ડ કપ રમાયા છે. આ સમયગાળા દરમિયાન, એશિયાની ત્રણ મુખ્ય ટીમો, ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા, સતત નોકઆઉટ તબક્કામાં પહોંચી છે. આ ત્રણેય ટીમોએ મળીને આઠ વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા છે. ભારતે બે વનડે અને એક ટી ૨૦ વર્લ્ડ કપ સહિત ત્રણ ટાઇટલ જીત્યા છે, અને ૧૩ વખત સેમિફાઇનલમાં પહોંચ્યું છે. પાકિસ્તાન પણ ૧૩ વખત ફાઇનલમાં ચારમાં પહોંચ્યું છે, જ્યારે શ્રીલંકા પણ એટલી જ વખત રમ્યું છે. ૧૯૭૫માં પ્રથમ મેન્સ વર્લ્ડ કપ પછી, આ ત્રણ ટીમોમાંથી ઓછામાં ઓછી એક ટીમ લગભગ દરેક આવૃત્તિમાં સેમિફાઇનલમાં પહોંચી છે. જાકે, આ વખતે, વાર્તા બદલાતી હોય તેવું લાગે છે. ટી ૨૦ વર્લ્ડ કપના સુપર ૮ તબક્કામાં સમીકરણ એશિયન ટીમો સામે ઝુકાવેલું લાગે છે.
ભારત ગ્રુપ ૧ માં ત્રીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકા સામેની ભારે હારથી તેના નેટ રન રેટ પર ફટકો પડ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ ની ઝિમ્બાબ્વે સામે ૧૦૭ રનની જીતથી પરિસ્થિતિ વધુ જટિલ બની ગઈ. ભારતને હવે ૨૬ ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં ઝિમ્બાબ્વે સામે અને ૧ માર્ચે કોલકાતામાં વેસ્ટ ઇન્ડીઝ સામે મોટા માર્જિનથી જીતવાની જરૂર છે. તેમને એવી પણ આશા રાખવાની જરૂર છે કે દક્ષિણ આફ્રિકા વેસ્ટ ઇન્ડીઝને હરાવે.
ગ્રુપ ૨ માં, ઈંગ્લેન્ડ સતત બે જીત સાથે સેમિફાઇનલમાં પહોંચ્યું છે. ન્યુઝીલેન્ડ પણ મજબૂત સ્થિતિ માં છે. જા ન્યુઝીલેન્ડ શ્રીલંકાને હરાવે છે, તો શ્રીલંકા અને પાકિસ્તાન બંને સુપર ૮ માંથી બહાર થઈ જશે. આવી સ્થિતિ માં, એકંદર વર્લ્ડ કપ (વનડે વર્લ્ડ કપ અને ટી ૨૦ વર્લ્ડ કપ) ના ૫૧ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું બનશે કે ભારત, પાકિસ્તાન અથવા શ્રીલંકામાંથી કોઈ પણ ટીમ સેમિફાઇનલ લાઇનઅપમાં સામેલ થશે નહીં.
અગાઉ,આઇસીસી વ્હાઇટ-બોલ ટુર્નામેન્ટમાં, ફક્ત ૨૦૦૬ ચેમ્પીયન્સ ટ્રોફીમાં જ આ ત્રણેય ટીમો ગ્રુપ સ્ટેજથી આગળ વધવામાં નિષ્ફળ ગઈ હતી. હવે બધાની નજર બાકી રહેલી સુપર ૮ મેચો પર છે. શું એશિયન ટીમો પુનરાગમન કરી શકશે અને ઇતિહાસ બચાવી શકશે, કે પછી ૨૦૨૬ ટી ૨૦ વર્લ્ડ કપ ખરેખર ૫૧ વર્ષનો અનિચ્છનીય રેકોર્ડ બની જશે?