છોટાઉદેપુરના ડોલરીયા પંથકના ખેડૂતો MGVCL પર ધરણા પર બેઠા

ખેતી માટે પૂરતી વીજળીની માંગ, બે દિવસમાં વીજળી ન મળે તો આંદોલન.

છોટા ઉદેપુર જિલ્લાના ડોલરીયા પંથકના ખેડૂતોએ આજે તેજગઢ MGVCL કચેરી સામે ધરણા કર્યા હતા. તેઓએ ખેતી માટે પૂરતી વીજળી આપવાની માંગ કરી છે.

ડોલરીયા, કુભાની, વઢવાણ, નવાગામ અને જામલી ગામના ખેડૂતોને છેલ્લા કેટલાક દિવસથી ૮ કલાકને બદલે માંડ ૮ મિનિટ વીજળી મળે છે. જેના કારણે તેમનો કપાસ, ડાંગર અને તુવેર જેવા પાક સુકાઈ રહ્યો છે.

પાકને છેલ્લું પાણી આપવાની તાતી જ‚ર છે, પરંતુ વીજળી ન મળતા ખેડૂતો ચિંતિત છે. મોટી સંખ્યામાં ખેડૂતો કચેરી પહોંચ્યા અને નારા લગાવ્યા.

તેઓએ MGVCLના નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં આવેદનપત્ર આપ્યું. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો બે દિવસમાં વીજળી નહીં મળે તો તેઓ આંદોલન કરશે.