ભરૂચમાં પેટ્રોલ છાંટીને પત્નીને સળગાવનારા પતિને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

ભરૂચમાં પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી હત્યા કરવાના ચકચારી કેસમાં અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પાંચમા એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે આરોપી પતિ આસિફ ઇકબાલ સીતપોણીયાને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે રૂ.૧૦ હજારનો દંડ પણ ફટકાર્યો છે. સરકાર પક્ષ દ્વારા રજૂ કરાયેલા ડાઈંગ ડિક્લેરેશન, એફએસએલ રિપોર્ટ સહિતના પુરાવાઓ અને સાહેદોની જુબાનીને આધારે આ ચુકાદો આપવામાં આવ્યો છે.

આ ચકચારી ઘટના વર્ષ ૨૦૨૦માં વાગરા પોલીસ મથક વિસ્તારમાં બની હતી. પોલીસ ફરિયાદ અને કેસની વિગતો મુજબ, આરોપી આસિફ ઇકબાલ સીતપોણીયા પોતાની પત્ની યાસ્મીનબેનને વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો.

૧૫ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ યાસ્મીનબેન ઘરની બહાર તાપણું કરી રહ્યા હતા. તે દરમિયાન આરોપી આસિફ ત્યાં આવ્યો અને બહાર બેસવા બાબતે તકરાર કરી હતી. ત્યારબાદ જમવાનું કાઢવા માટે યાસ્મીનબેન રસોડામાં જતા આરોપીએ તેમને માર માર્યો હોવાનો આક્ષેપ હતો. આ દરમિયાન આરોપીએ પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી પત્નીને સળગાવી દીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી યાસ્મીનબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

ઘટના બાદ વાગરા પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૩, ૪૯૮(એ), ૫૦૪ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ કેસ ભરૂચની પાંચમા એડિશનલ ડિસ્ટ્રીઇક્ટ કોર્ટમાં સેશન્સ કેસ નંબર ૨૬/૨૦૨૦ તરીકે ચાલ્યો હતો.

કોર્ટમાં સરકાર પક્ષ તરફથી સરકારી વકીલ જે.જે. પરમારે કેસ રજૂ કર્યો હતો. સરકાર પક્ષે સાહેદોની જુબાની ઉપરાંત ફરિયાદી અને મરણ જનારનું ડાઈંગ ડિક્લેરેશન,એફએસએલ રિપોર્ટ, સ્વતંત્ર સાહેદોની જુબાની સહિતના મહત્વપૂર્ણ દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવાઓ રજૂ કર્યા હતા.

સમગ્ર કેસની સુનાવણી દરમિયાન રજૂ થયેલા પુરાવાઓ અને બંને પક્ષની દલીલોને ધ્યાનમાં લીધા બાદ અદાલતે આરોપી આસિફ ઇકબાલ સીતપોણીયાને કસૂરવાર ઠેરવ્યો હતો. કોર્ટે આઇપીસીની કલમ ૩૦૨ અને ૨૦૧ હેઠળ આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.

સરકારી વકીલ જે.જે પરમારે ચુકાદાને આવકારતા જણાવ્યું હતું કે, પત્ની પર અત્યાચાર કરનાર લોકો માટે આ ચુકાદો સમાજમાં દાખલો બેસાડનારો છે. વર્ષો જૂના આ કેસમાં કોર્ટના ચુકાદા બાદ સરકાર પક્ષે સંતોષ વ્યક્ત કર્યો છે.