
ગુજરાતના રાજકારણમાં એક નવી હલચલ શરૂ થઈ છે, જેમાં જનતાના પ્રશ્નોને લઈને સક્રિય લડત લડવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે. સરકાર સામે હિંમતથી અવાજ ઉઠાવવાની જાહેરાત સાથે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર જીવનમાં કોઈપણ વ્યક્તિ કે સમાજની મહેરબાની વગર લોકોના પ્રશ્નો માટે સીધી અને સક્રિય લડત લડવામાં આવશે. સાચી નિષ્ઠાને સાબિત કરવા હવે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી, માત્ર પોતાની કામગીરી અને જનસેવાના આધારે જ આગળ વધવાનો મક્કમ સંદેશ અપાયો છે. નકારાત્મક રાજકારણથી સંપૂર્ણપણે દૂર રહીને સીધા મુદ્દાઓના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવાના આ અભિયાનને વેગ આપવા, આગામી ૨ ઓક્ટોબરના રોજ એક વિશાળ સંમેલનની તૈયારીઓ પૂરજાશમાં ચાલી રહી છે.
પોતાના રાજકીય ભવિષ્ય અને કોંગ્રેસમાં જોડાવા અંગે સ્પષ્ટતા કરતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે હાલ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય કોંગ્રેસમાં જોડાવાનો નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી સામે મજબૂત લડત આપવા માટે એક ‘ફોજ’ તૈયાર કરવાનો છે. તેમણે કહ્યું કે, રાજકારણમાં કોઈપણ પાર્ટીની એક સિસ્ટમ હોય છે, રાતોરાત ફોર્મ ભરીને જીતી શકાતું નથી. પ્રજા વચ્ચે જઈને તેમનો વિશ્વાસ સંપાદિત કરવા માટે ઓછામાં ઓછા ૧૨ મહિનાનું આયોજન જોઈએ. કોંગ્રેસ અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે, “કોંગ્રેસ પોતાનું નક્કી કરશે, પરંતુ મારે ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને મારી પાર્ટીનું નક્કી કરવાનું છે. મારી સાથે કોઈ નહીં આવે તો હું એકલો લડીશ. મારે કોઈના સર્ટિફિકેટ કે એ-ટીમ, બી-ટીમના લેબલની જરૂર નથી.”
ગુજરાતની જનતાને જ પોતાની મુખ્ય શક્તિ ગણાવતા વાઘેલાએ “પીપલ પાવર” ના આધારે આગળ વધવાનો સંકલ્પ લીધો છે. લોકોનું સમર્થન એકત્રિત કરવા માટે આગામી ૨ ઓક્ટોબરના રોજ એક વિશાળ ‘વિશ્વાસ સંમેલન’ યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. ગાંધીનગરમાં યોજાયેલી તાજેતરની બેઠકમાં પણ આ સંમેલન અને ૨૦૨૭ની ચૂંટણી માટે સંગઠનાત્મક કામગીરી, મુદ્દાઓ અને તેના અમલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પૂર્વ મુખ્યમંત્રી નકારાત્મક રાજકારણથી દૂર રહીને પ્રજાના વાસ્તવિક પ્રશ્નોના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમણે દારૂબંધીના કડક અમલ અંગે સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. આ ઉપરાંત, બેરોજગારી, મોંઘવારી અને સામાન્ય માણસને પડતી હાલાકી જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સીધી કામગીરી કરવાનો સંદેશ આપ્યો છે. વાઘેલાનું માનવું છે કે પ્રજાના પ્રશ્નો ઘણા છે, પરંતુ માત્ર વિરોધ કરવાને બદલે તેમની પાસે આ પ્રશ્નોનું યોગ્ય ‘સોલ્યુશન’ પણ છે.