રાજકોટમાં સ્ટેમ્પ ડયુટી ચોરીનો મોટો ખુલાસો, ગેલેક્સી ગ્રુપને રૂ. ૪.૪૬ કરોડનો દંડ

રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી ચોરીનો મોટો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જાણીતી શિક્ષણ સંસ્થા ‘ગેલેક્સી ગ્રુપ’ દ્વારા કરોડોની સ્ટેમ્પ ડ્યુટી ચોરી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. રાજકોટ જિલ્લાના નાયબ કલેક્ટરે કડક કાર્યવાહી કરતાં સંસ્થા પર કુલ રૂ. ૪.૪૬ કરોડનો દંડ ફટકાર્યો છે.

તપાસમાં સામે આવ્યું છે કે ગેલેક્સી ગ્રુપના કિરણ ભાલોડિયા સહિત કુલ ૬ ભાગીદારોએ મળીને એક ‘ખેડૂત’ નામની ભાગીદારી પેઢી ઊભી કરી હતી. આ પેઢીના નામે મિલક્તની ખરીદી કરવામાં આવી હતી. ખેડૂત તરીકેની ઓળખનો લાભ લઈ ટેક્સ બચાવવાના ઈરાદે કુલ ચૂકવવાની સ્ટેમ્પ ડ્યુટીમાંથી માત્ર ૭૫ ટકા રકમ જ ભરવામાં આવી, જ્યારે બાકી કરોડોની રકમની ચોરી કરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લાના નાયબ કલેક્ટરે આ પ્રકરણને ગંભીરતાથી લઈ સ્ટેમ્પ ડ્યુટી ચોરી પકડી કાઢી છે અને જવાબદારોને નોટિસ ફટકારવામાં આવી છે. તપાસ દરમિયાન દસ્તાવેજોમાં ગોલમાલ કરીને સરકારી તિજોરીને મોટું નુક્સાન પહોંચાડવાનો ઈરાદો સાબિત થયો છે.

કલેક્ટર કચેરીના આ કડક વલણને પગલે શહેરના અન્ય પ્રોપર્ટી ડિલર્સ અને શિક્ષણ જગત સાથે જોડાયેલા મોટા માથાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ તંત્ર દ્વારા દંડની વસૂલાત માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જ્યારે આવનારા દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.