છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતાં છોટાઉદેપુર-નસવાડી-કવાંટ માર્ગ પર આવેલ પાકા દબાણો દુર કરવા માટે નગરપાલિકા અને સ્ટેટ આર એન્ડ બી વિભાગે સંયુકત મોરચો માંડ્યો છે. આ માર્ગ છોટાઉદેપુરને પંચમહાલ જિલ્લા સાથે પણ જોડે છે. અને તેની માલિકી સ્ટેટ આર એન્ડ બી વિભાગ હસ્તક છે.
સ્ટેટ આર એન્ડ બી વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને એક પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં એસ.ટી.ડેપોથી જિલ્લા પંચાયત ભવન સુધીના નગરપાલિકા વિસ્તારમાં આવતા રોડની બાજુમાં થયેલા કાચા-પાકા દબાણો તાત્કાલિક ધોરણે દુર કરવા માટે કાર્યવાહી કરવા જણાવાયુ હતુ. આ પત્રને પગલે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા છે અને ચીફ ઓફિસર દ્વારા આશરે ૫૦ જેટલા દબાણકર્તાઓને આગામી ૧૦ દિવસમાં પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવી લેવા માટે નોટિસ ફટકારી છે. આ બાબતે સ્ટેટ આર એન્ડ બી વિભાગના ડે.ઈજનેરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે, આ માર્ગ પર દબાણો અંગે અનેક રજુઆતો મળી રહી હતી. આ દબાણોને કારણે માર્ગ પર અવર જવરને અસર થતી હતી. જેના પગલે દબાણો દુર કરવા માટે નગરપાલિકાને પત્ર લખી જાણ કરાઈ છે. નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ૫૦ જેટલા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવતા દબાણકર્તાઓમાં ભારે ગભરાટ વ્યાપ્યો છે. જો નિર્ધારિત સમય મર્યાદામાં દબાણ કર્તાઓ પોતાના દબાણો નહિ ખસેડે તો તેને તોડી પાડવામાં આવશે. તેવી ચિમકી નગરપાલિકા દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ કાર્યવાહીને કારણે સ્થાનિક રહિશો અને વેપારીઓમાં ભારે ચર્ચાઓ શ થઈ છે.