છોટાઉદેપુર પંથકમાં છેલ્લા ધણા સમયથી રેતી માફિયાઓ સરકારી નિયમોના ધજીયા ઉડાવી બેફામ ખનન કરી રહ્યા છે. તંત્રની રહેમ નજર હેઠળ ચાલતા આ કાળા કારોબાર સામે અવાર નવાર રજુઆતો કરવા છતાં કોઈ નકકર પરિણામ ન આવતા આખરે જનતાએ મેદાને આવવુ પડ્યુ છે. પાવીજેતપુર તાલુકાના વાંકોલ ગામે ઓરસંગ નદીના પટમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેત ખનન સામે ગ્રામજનોએ એકઠા થઈને જનતા રેડ કરી હતી. નદીના પટમાં ગેરકાયદેસર રીતે મશીનરી ઉતારીને કુદરતી સંપત્તિ લુંટાઈ રહી હોવાના આક્ષેપ સાથે લોકોએ સ્થળ પર જઈ ભારે વિરોધ નોંધાવ્યો હતો.
સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર પાવીજેતપુર અને તેની આસપાસના નદીના પટોમાંથી રાત-દિવસ ગેરકાયદેસર રેતી ચોરી થઈ રહી છે. ગ્રામજનો દ્વારા અગાઉ પણ અનેકવાર જનતા રેડ કરવામાં આવી છે. અને તંત્રને પુરાવાઓ સાથે ફરિયાદો કરાઈ છે. પરંતુ જવાબદાર અધિકારીઓની આડોડાઈના કારણે સ્થિતિ ઠેરની ઠેર છે. માફિયાઓ સ્થાનિક નદીઓના અસ્તિત્વને નુકસાન પહોંચાડી રહ્યા હોવા છતાં ખાણ-ખનીજ વિભાગ કડક પગલા લેવામાં નિષ્ફળ નીવડ્યુ છે. વાંકોલ ગામે જનતા રેડના પગલે હોબાળો મચતા આખરે છોટાઉદેપુર જિયોલોજી (ખાણ ખનીજ)વિભાગની ટીમ ધટના સ્થળે દોડી આવી હતી. તંત્રએ નદીના પટમાં તપાસ શ કરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. જો કે આ સમગ્ર મામલે સ્થળ પર હાજર ગ્રામજનોએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને સવાલો કર્યા છે. ત્યારે અધિકારીઓએ કોઈપણ માહિતી આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. અધિકારીઓના આ મોૈન ૫ાછળનુ કારણ શુ છે તે લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. ભીનુ સંકેલાશે કે કડક કાર્યવાહી થશે એ બાબતે શંકા સેવાઈ રહી છે.