
બાલાસિનોર નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ અને કચરાના વર્ગીકરણ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન.
બાલાસિનોર નગરપાલિકા દ્વારા આજ રોજ ‘આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ’ની અત્યંત ઉત્સાહભેર અને સાર્થક ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણની જાળવણી અને કુદરતી સંપદાના સંવર્ધન માટે આયોજીત આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના વિવિધ સ્તરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પક્ષના અગ્રણી આગેવાનો, નગરપાલિકાનો વહીવટી સ્ટાફ અને શહેરના જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણની સુરક્ષા માટે કટિબદ્ધતા દર્શાવી હતી.
કાર્યક્રમ દરમિયાન માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ પર્યાવરણને સીધી અસર કરતા અન્ય મહત્વના પાસાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ઉપસ્થિત જનમેદનીને સ્વચ્છતા અંગેના પ્રેરક સંદેશાઓ પાઠવવામાં આવ્યા હતા. વિશેષ કરીને વર્તમાન સમયમાં કચરાના નિકાલની વૈજ્ઞાનિક પદ્ધતિ સમજાવવા માટે ૪ પ્રકારના સેગ્રિગેશન (વર્ગીકરણ) અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂં પાડવામાં આવ્યું હતું. કચરાને તેના પ્રકાર મુજબ અલગ કરવાથી પર્યાવરણ પર થતી હાનિકારક અસરો કેવી રીતે ઘટાડી શકાય તે અંગે નાગરિકોને અવગત કરવામાં આવ્યા હતા.