
ગુજરાતના રાજકારણ અને વહીવટી આલમમાં અત્યારે એક નવો ગજગ્રાહ ચર્ચાઈ રહ્યો છે. રાજ્યમાં કેટલાક સરકારી અધિકારીઓ મંત્રીઓ અને ધારાસભ્યોના આદેશોને ઘોળીને પી જતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર બાબતની નોંધ લેતા હવે રાજ્ય સરકારે કડક લેખિત પરિપત્ર જાહેર કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પડાયેલા આ આદેશથી સચિવાલયના બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પરિપત્રમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, અનેક કિસ્સાઓમાં વિભાગના મંત્રીનો અભિપ્રાય કંઈક અલગ હોય છે, છતાં વિભાગના વડા પોતાની મનમાની ચલાવીને મંત્રીના આદેશની અવગણના કરતા હોય છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટાયેલા મંત્રીઓના નિર્ણયોનું સન્માન કરવું અનિવાર્ય છે અને અધિકારીઓ પોતાની રીતે કાર્યવાહી શરૂ કરી શકશે નહીં.
ઘણા વર્ગ-૧ના અધિકારીઓ નિવૃત્ત થવાના હોય ત્યારે તેમની સામેની શિસ્તભંગની તપાસની ફાઈલો છેલ્લી ઘડીએ રજૂ કરવામાં આવતી હતી. આ ‘સેટિંગ’ રોકવા માટે સરકારે હવે નવી સમયમર્યાદા નક્કી કરી છે, જે મુજબ નિવૃત્ત થતા અધિકારી સામેની શિસ્ત વિષયક ફાઈલ તેમની નિવૃત્તિના એક મહિના પહેલાં રજૂ કરવી પડશે. જા કોઈ અનિવાર્ય કારણ કે કોર્ટનો ચુકાદો હોય, તો પણ ઓછામાં ઓછા ૫ દિવસ અગાઉ આ અંગે જાણ કરવી ફરજિયાત રહેશે.
વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જા કોઈ કેસમાં વિભાગના વડા અને મંત્રીના અભિપ્રાય અલગ-અલગ હશે, તો તે ફાઈલ સીધી બંધ કરી શકાશે નહીં. આવી વિવાદાસ્પદ ફાઈલોને હવે મુખ્ય સચિવ મારફતે છેક મુખ્યમંત્રી સુધી મોકલવાની રહેશે. એટલે કે, હવે અંતિમ નિર્ણય લેવાની સત્તા મુખ્યમંત્રી હસ્તક રહેશે.
સરકારના આ કડક વલણથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે હવે અધિકારીઓની મનમાની નહીં ચાલે. જા કોઈ અધિકારી આ સૂચનાઓનો ભંગ કરશે, તો તેમની સામે પણ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.