
ગુજરાતમાં સહકારી ક્ષેત્ર પર કબજા જમાવવા મથતી ભાજપ સરકાર માટે મોડાસાથી માઠા સમાચાર આવ્યા છે. મોડાસા માર્કેટયાર્ડના ચેરમેનની ચૂંટણીમાં પક્ષના સત્તાવાર મેન્ડેટનો સરેઆમ અનાદર કરી ભાજપ પ્રેરિત પેનલના જ સભ્યએ બળવો કર્યો છે. આ રસાકસીભરી ચૂંટણીમાં પક્ષના સત્તાવાર ઉમેદવારની કારમી હાર થઈ છે, જ્યારે બળવાખોર ઉમેદવાર વિજયી બનતા રાજકીય આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે.
મોડાસા માર્કેટયાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપ હાઈકમાન્ડ દ્વારા ચેરમેન પદ માટે કિરીટ પટેલના નામનું મેન્ડેટ (સત્તાવાર આદેશ) જાહેર કરવામાં આવ્યું હતું. જાકે, ભાજપ પ્રેરિત પેનલમાંથી જ ચૂંટાઈ આવેલા ડિરેક્ટર પંકજ પટેલે આ મેન્ડેટ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને પક્ષના આદેશને પડકારીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કુલ ૧૪ ચૂંટાયેલા ડિરેક્ટરો અને ૨ સરકારી પ્રતિનિધિઓએ મતદાન કર્યું હતું. પરિણામો જાહેર થતા જ ભાજપ છાવણીમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. પંકજ પટેલ (બળવાખોર) ૦૯ મતો મેળવી ભવ્ય જીત હાંસલ કરી. કિરીટ પટેલ (મેન્ડેટધારક) પક્ષના ટેકો હોવા છતાં જરૂરી મતો ન મેળવી શકતા હારનો સામનો કરવો પડ્યો. વાઇસ ચેરમેન આ પદ પર રાકેશ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
ચૂંટણી દરમિયાન મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારે સ્થિતિ પારખી જઈને ‘હાથ ઊંચા કરીને’ મતદાન યોજવાની દરખાસ્ત રજૂ કરી હતી. આ દરખાસ્ત પાછળનો હેતુ કદાચ કયા ડિરેક્ટરે પક્ષની વિરુદ્ધ મતદાન કર્યું છે તે જાણવાનો હોઈ શકે. જાકે, ફરજ પરના રજિસ્ટ્રાર અને ચૂંટણી અધિકારીએ આ દરખાસ્તને સ્પષ્ટપણે ફગાવી દીધી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે મેન્ડેટ એ પક્ષની આંતરિક વ્યવસ્થાનો ભાગ છે, પરંતુ કાયદાકીય રીતે ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા જ યોજવાની જાગવાઈ છે.
આ પરિણામ બાદ અરવલ્લી જિલ્લા ભાજપના આંતરિક જૂથવાદની ચર્ચાઓએ જાર પકડ્યું છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં મેન્ડેટનો અનાદર એ નેતૃત્વ સામે મોટો સવાલ ઉભો કરે છે. એક તરફ વાઇસ ચેરમેનની વરણી બિનહરીફ થઈ, જ્યારે ચેરમેન પદ માટે થયેલો આ બળવો આવનારા સમયમાં પક્ષમાં મોટા ફેરફારો અને શિસ્તભંગના પગલાં તરફ ઈશારો કરી રહ્યો છે.