પાવીજેતપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજુઆત કરી છે. જેમાં તાલુકા જિલ્લા ફેર બદલી પામેલા શિક્ષકોની સેવાપોથીઓ સત્વરે અપડેટ કરી સંબંધિત સ્થળે મોકલવા તેમજ શિક્ષકોના સીપીએફ/એનપીએસ કપાતના બાકી નાણાં જમાં કરાવવા માંગ કરી છે.
રજુઆત મુજબ ગત ઓનલાઈન બદલી કેમ્પમાં પાવીજેતપુર તાલુકામાંથી અનેક શિક્ષકોની અન્ય તાલુકા જિલ્લામાં બદલી થઈ છે. નિયમ મુજબ બદલી થયેલા શિક્ષકોની સેવાપોથી સમય મર્યાદામાં જે તે તાલુકા કે જિલ્લા કચેરીઓ મોકલી આપવાની હોય છે. આ બાબતે નિયામક કચેરી ગાંધીનગરના આદેશો હોવા છતાં વિલંબ થતો હોવાથી શિક્ષકોને મુશ્કેલી પડી રહી છે. રાયપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકે જણાવ્યુ છે કે, જાન્યુઆરી-2025થી શિક્ષકોના એનપીએસ (નેશનલ પેન્શન સિસ્ટમ)કપાતના નાણાં ખાતામાં જમાં થયા નથી. જો આ નાણાં સમયસર જમાં ન થાય તો શિક્ષકોને મળવાપાત્ર વ્યાજનુ આર્થિક નુકસાન વેઠવુ પડે તેમ છે. તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મંત્રી દ્વારા આ મુદ્દે કાર્યવાહી કરવા અને શિક્ષકોના હિતમાં વહેલી તકે સેવાપોથી રવાના કરવા તેમજ એનપીએસના નાણાં જમાં કરાવવા વારંવાર રજુઆત કરી છે. પરંતુ સંબંધિત અધિકારી દ્વારા કોઈ કામગીરી નહિ કરતા શિક્ષકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જેથી તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી શિક્ષક સંઘની માંગ કરી જિલ્લા શિક્ષક સંઘને પણ રજુઆત કરી છે.