
છોટાઉદેપુર જીલ્લાના કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ગેરકાયદેસર બંદૂક સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી એક બારબોરની બંદૂક અને ગાડી મળી કુલ 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગત રાત્રે પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. પરમાર અને તેમની ટીમ કદવાલ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. વહેલી સવારે આશરે 1:30 વાગ્યે કદવાલ કસ્બા ફળિયા તરફથી આવી રહેલી લાલ કલરની મહિન્દ્રા કોન્ટો સી-8 ગાડીને પોલીસે અટકાવી હતી.
ગાડીની તપાસ કરતા તેની પાછળની સીટ પરથી એક નાળીવાળી બારબોરની બંદૂક મળી આવી હતી. ગાડી ચલાવી રહેલા ઈસમની પૂછપરછ કરતા તેનું નામ સોહીલ ઉર્ફે બારોટ હબીબભાઈ શેખ (ઉંમર 22, રહે. છોટાઉદેપુર, હાલ રહે. દેવગઢ બારીયા) હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે સોહીલ શેખ પાસેથી બંદૂક રાખવા અંગેના લાયસન્સ કે પાસ-પરવાનાની માંગણી કરતા, તે કોઈ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો. લાંબી પૂછપરછ બાદ આરોપીએ કબૂલાત કરી હતી કે તેની પાસે આ હથિયાર રાખવાનો કોઈ કાયદેસરનો પરવાનો નથી.
કદવાલ પોલીસે આરોપી સોહીલ શેખ વિરૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ.10,000/- ની એક નાળીવાળી બારબોર બંદૂક અને રૂ.1,50,000/- ની મહિન્દ્રા કોન્ટો સી ગાડીનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત રૂ.1,60,000/- છે.