નવીદિલ્હી, દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ઘરેલુ નોકરને પહેલા માર મારવામાં આવ્યો અને બાદમાં તેને કૂતરો પણ કરડ્યો. ઘટનાની જાણ થતાં પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે શનિવારે જણાવ્યું હતું કે, ઘરેલુ મદદનીશ તરીકે કામ કરતી ૧૩ વર્ષની છોકરીને ગુરુગ્રામના સેક્ટર ૫૭માં પરિવાર દ્વારા કથિત રીતે માર મારવામાં આવ્યો હતો, કૂતરો કરડ્યો હતો અને તેના કપડાં ઉતારવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે છોકરીની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, છોકરી જ્યાં કામ કરતી હતી તે ઘરની મહિલા ઘણીવાર તેને લોખંડના સળિયા અને હથોડાથી મારતી હતી, જ્યારે તેના બે પુત્રો તેના કપડા ઉતારીને તેનો નગ્ન વીડિયો બનાવતા હતા. તેણીને અયોગ્ય રીતે સ્પર્શ કરતી હતી.
મોઢું બાંધીને રૂમમાં બંધક રાખવામાં આવેલી બાળકીને રવિવારે જ્યારે તેની માતા તેના માલિક સાથે ત્યાં પહોંચી ત્યારે તેને મુક્ત કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે તેની ફરિયાદમાં માતાએ કહ્યું કે તેની પુત્રીને ૪૮ કલાકમાં માત્ર એક જ વાર ખાવાનું આપવામાં આવતું હતું અને તેના મોં પર ટેપ લગાવવામાં આવતી હતી જેથી તે કોઈ અવાજ ન કરી શકે.
સેક્ટર ૫૧ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં એવું કહેવામાં આવ્યું છે કે છોકરીના માલિકો તેના હાથ પર એસિડ રેડતા હતા અને જો તે આ ઘટના વિશે કોઈને કહેશે તો તેને મારી નાખવાની ધમકી આપી હતી. છોકરીની માતા, જે બિહારની છે, તેણે કહ્યું કે તેણે તેની પુત્રીને ૨૭ જૂને નજીકના વિસ્તારમાં વાહનો સાફ કરતા વ્યક્તિની મદદથી સેક્ટર ૫૭માં શશિ શર્માના ઘરે નોકરી અપાવી હતી.