ઈઝરાયેલી સેનાએ ગાઝાને ઘેર્યા બાદ શહેરમાં કર્યો પ્રવેશ,હવે આરપારની લડાઇ

તેલઅવીવ,હમાસ અને ઈઝરાયેલ વચ્ચે છેલ્લા ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. તે બંધ થવાના કોઈ સંકેત નથી. આ સંઘર્ષે અત્યાર સુધીમાં ૯,૦૦૦ થી વધુ લોકોના જીવ લીધા છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હરજી હલેવીએ કહ્યું છે કે ઇઝરાયલી સૈનિકોએ ગાઝા શહેરને ઘેરી લીધું છે. આટલું જ નહીં, સૈનિકો શહેરમાં પ્રવેશી ચૂક્યા છે.

તેમણે કહ્યું કે અમે યુદ્ધના બીજા મહત્વપૂર્ણ તબક્કામાં આગળ વધી ગયા છીએ. અમારા દળો ઉત્તર ગાઝાના કેન્દ્રમાં છે. તેઓ ત્યાં જમીની હુમલાઓ કરી રહ્યા છે. જોકે ગાઢ અને જટિલ શહેરી વિસ્તારમાં લડવા માટે વ્યાવસાયિક લડાઈ અને હિંમતની જરૂર હોય છે. પોતાની સેનાનું મનોબળ વધારતા તેમણે વધુમાં કહ્યું કે અમે જીતતા રહીશું.

આઇડીએફ ચીફ ઑફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હરઝી હલેવીએ કહ્યું કે અમે જીવનની પવિત્રતાના નામે એવા દુશ્મન સામે લડી રહ્યા છીએ જે મૃત્યુ અને વિનાશનું પ્રતિનિધિત્વ કરે છે. અમે નૈતિક હોકાયંત્ર સાથે એક શક્તિશાળી સૈન્ય તરીકે લડીએ છીએ. અમે ન્યાય અને નૈતિક્તાના મૂલ્યો માટે લડી રહ્યા છીએ જેના આધારે દેશની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમારી લડાઈ આતંકવાદી સંગઠન સામે છે જેણે ઘૃણાસ્પદ અને ભયંકર યુદ્ધ અપરાધ કર્યા છે. તેમણે કહ્યું કે આ યુદ્ધની કિંમત પીડાદાયક છે. ગ્રાઉન્ડ ઓપરેશનમાં અત્યાર સુધીમાં આપણા ૧૮ જવાનો શહીદ થયા છે. અમે યુદ્ધમાં અમારા શ્રેષ્ઠ સૈનિકો ગુમાવ્યા છે. તેમના પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે, પરંતુ અમે જીતવાનું ચાલુ રાખીશું.