
ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાઓ વચ્ચે સરકારી બાબુઓ દ્વારા પ્રજાના કામો માટે લાંચ માંગવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. જોકે, એન્ટી કરપ્શન બ્યુરો પણ આવા લાંચિયા અધિકારીઓને સબક શીખવવા માટે સતત સક્રિય છે. આજે મહેસાણા જિલ્લાના ઐતિહાસિક શહેર વડનગરમાં એક મોટી ઘટના સામે આવી છે. વડનગર સિવિલ હોસ્પિટલના ઉચ્ચ વર્ગના અધિકારી એટલે કે ક્લાસ-૧ રેક્ધ ધરાવતા મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ (તબીબી અધિક્ષક) એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયા છે, જેના કારણે જિલ્લાના આરોગ્ય વિભાગમાં સોપો પડી ગયો છે.
મળતી માહિતી મુજબ, વડનગર સિવિલ હોસ્પિટલમાં સરકારી કામકાજ માટે ખાનગી વાહનો કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે. આ કેસના ફરિયાદી, જે એક જાગૃત નાગરિક છે, તેમને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખાનગી ગાડી પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. નિયમ મુજબ, ગાડીના વપરાશ અને કિલોમીટરના આધારે બિલ બનાવવામાં આવે છે. ફરિયાદી પોતાની ગાડીનું બિલ મંજૂર કરાવવા અને ગાડીની લોગબુકમાં સક્ષમ અધિકારીની સહીઓ કરાવવા માટે ગયા હતા.
કાયદાકીય રીતે આ સહી કરવી અને બિલ પાસ કરવું એ ફરજનો એક ભાગ છે, પરંતુ વડનગર સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક (વર્ગ-૧) ડો. હષદ લક્ષ્મણભાઈ પટેલ (ઉં.વ. ૫૦) એ આ કામ કરી આપવા માટે ફરિયાદી પાસે આડક્તરી રીતે લાંચની માંગણી કરી હતી. આરોપી ડોક્ટરે બિલ મંજૂર કરવાના બદલામાં રૂપિયા ૨૦,૦૦૦/- ની માગણી કરી હતી. સામાન્ય રીતે કોન્ટ્રાક્ટરો કામ અટકી ન જાય તે ડરથી લાંચ આપી દેતા હોય છે, પરંતુ આ કિસ્સામાં ફરિયાદી એક જાગૃત નાગરિક હતા. તેઓ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માંગતા ન હતા અને પોતાની મહેનતની કમાણી લાંચમાં આપવા તૈયાર ન હતા. તેથી, તેમણે તાત્કાલિક મહેસાણા લાંચ રુશ્ર્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો અને સમગ્ર હકીક્ત જણાવી. તારીખ ૨૨/૧૨/૨૦૨૫ ના રોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વયોજિત કાવતરા મુજબ, ફરિયાદી લાંચની રકમ લઈને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી અધિક્ષકની કચેરીમાં પહોંચ્યા હતા. ત્યાં હાજર ડો. હષદ પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને લાંચ પેટે નક્કી થયેલા રૂ. ૨૦,૦૦૦/- સ્વીકાર્યા હતા.
જેવી રકમ સ્વીકારવામાં આવી કે તરત જ ઈશારો મળતા એસીબીની ટીમ ત્રાટકી હતી. ટીમે ડો. હષદ પટેલને લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબીએ સ્થળ પર જ લાંચની રકમ રિકવર કરી હતી અને ડોક્ટરના હાથ તથા કપડાં પરથી ફીનોલ્ફથેલીન પાવડરના પુરાવા એકત્ર કર્યા હતા.
સિવિલ હોસ્પિટલ જેવી જાહેર સંસ્થામાં, જ્યાં ગરીબ અને મયમ વર્ગના દર્દીઓ સારવાર માટે આવે છે, ત્યાંના સર્વોચ્ચ અધિકારી (સુપરિન્ટેન્ડેન્ટ) જ લાંચ લેતા પકડાય તે અત્યંત ગંભીર બાબત છે. વર્ગ-૧ કક્ષાના અધિકારીનો પગાર અને ભથ્થા સરકાર દ્વારા ખૂબ સારા આપવામાં આવે છે, તેમ છતાં માત્ર ૨૦ હજાર રૂપિયા જેવી રકમ માટે તેમણે પોતાની આબરૂ અને નોકરી દાવ પર લગાવી દીધી હતી.
આ ઘટના બાદ મહેસાણા જિલ્લાના અન્ય સરકારી વિભાગોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. એસીબીએ આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં એસીબી દ્વારા આરોપીના ઘર અને અન્ય મિલક્તોની તપાસ પણ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.