
પાવીજેતપુર પંથકમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો. સમગ્ર વિસ્તાર ગાઢ ધુમ્મસની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો હતો. રસ્તાઓ અને રેલવે ટ્રેક પર વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી હતી.
મુખ્ય માર્ગો પર ધુમ્મસ એટલું હતું કે, થોડે દૂરની વસ્તુઓ પણ ચોખ્ખી દેખાતી નહોતી. વાહનચાલકોએ અકસ્માત ટાળવા માટે વાહનોની લાઈટો ચાલુ રાખીને ધીમે ચલાવવા પડ્યા હતા. રેલવે લાઈન પર પણ ગાઢ ધુમ્મસના કારણે સામે કંઈ ન દેખાતા ટ્રેનો પણ ધીમી ગતિએ ચાલી રહી હતી.
સવારના સમયે કામે નીકળેલા શ્રમિકો, દૂધ વિતરકો અને સ્થાનિક નાગરિકો ઠંડા અને ધુમ્મસવાળા વાતાવરણમાં અવરજવર કરતા જોવા મળ્યા હતા. વહેલી સવારનું આ વાતાવરણ સુંદર હોવા છતાં મુશ્કેલીભર્યું હતું, જેના કારણે લોકોને શિયાળાની શઆત જેવો અનુભવ થયો હતો.