
પાવી જેતપુરમાં નેશનલ હાઈવે ૫૬ ના બાયપાસ બનાવવા માટે સર્વેની કામગીરી શ થતા સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો છે. તેમણે રેલી કાઢી મામલતદાર અને ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું હતું.
સ્થાનિક લોકોનો આરોપ છે કે, આ બાયપાસ બનવાથી પાવી ગામના રહેણાંક મકાનો, ખેતરો અને અન્ય મહત્વના એકમોને મોટું નુકસાન થશે. જેમાં નિર્માણાધિન ઓરસંગેશ્ર્વર મહાદેવ મંદિર, સ્વામિનારાયણ મંદિર, કબ્રસ્તાન, અહંકાર ટેકરી પર આવેલી શાળા સંકુલ, આદર્શ કોમ્પલેક્ષ, પેટ્રોલ પંપોનો સમાવેશ થાય છે.
આ વિરોધ પ્રદર્શન માટે આજે પાવી જેતપુર ખાતે ડો. બાબા આંબેડકરના પૂતળા પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તેમણે રેલી કાઢી સેવા સદન પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. લોકોએ સર્વેની કામગીરી બંધ કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત, સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.