નસવાડી બજારમાં હોટલો અને કેરીના રસ, પાણીપુરીની લારીઓ પર આરોગ્ય વિભાગની ૭ જેટલી ટીમોએ ચેકિંગ કરી નોટિસ આપી

નસવાડીના બજારોમાં હોટલો તેમજ કેરીના રસ, પાણીપુરીની લારી ઉપર આરોગ્ય વિભાગની ૭ જેટલી ટીમોએ રેઈડ કરીને સ્વચ્છતાંની ચકાસણી કરતા તેમાં પુરેપુરી સ્વચ્છતાં ન હોવાથી નોટિસો આપવાની કામગીરી હાથ ધરી છે.

સ્વચ્છતાં રાખવા માટે હોટલ માલિકોને આદેશ કરવામાં આવ્યા હતા. ચોમાસાની ઋતુને ગણતરીના મહિના બાકી રહેતા આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યુ છે. નસવાડીમાં ૧૦૦ જેટલી હોટલો, પાણીપુરી, કેરીના રસ, ઠંડા પાણીની દુકાનો આવેલી છે. નસવાડી આરોગ્ય વિભાગની ૭ જેટલી ટીમોએ અલગ અલગ જગ્યા પર ત્રાટકીને ચકાસણી હાથ ધરતા હોટેલ માલિકોમાં કેરીનો રસ, શેરડીના રસ, પાણીપુરી અને ઠંડા પીણા વેચનાર ઉપર ફફડાટ વ્યાપી ગયો હતો. ૧૦૦ જેટલા વેપારીઓને નોટિસ આપવાની આરોગ્ય વિભાગે તૈયારી કરી હતી. નસવાડીમાં કેરીનો રસ વેચનાર વેપારીને ત્યાં વ્યાપક ગંદકી જોવા મળી હતી. આગામી દિવસોમાં છોટાઉદેપુર જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમો પણ ચકાસણી માટે આવે તેવી શકયતા છે. જયારે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ કેરીના રસના સેમ્૫લ લઈને ટેસ્ટિંગમાં મોકલે તો ભેળસેળ મળી આવે તેમ છે.