
અરવલ્લી જિલ્લાના ભિલોડામાંથી કંપારી છૂટી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાન બોર્ડર પરથી દારૂ પીને પરત ફરી રહેલા મિત્રો વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. નશો એટલો ચરમસીમાએ હતો કે દોસ્તો જ દુશ્મન બન્યા અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને પોતાના જ મિત્ર રાહુલની નિર્મમ હત્યા કરી નાખી. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરીને આરોપીઓ ધરપકડ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓ રાહુલને લઈને રાજસ્થાન ઝાઝરી બોર્ડર નજીક આવેલા દારૂના ઠેકા પર ગયા હતા. ત્યાંથી ભારે નશો કરીને જ્યારે તેઓ સાંજના આશરે ૭ઃ૩૦ વાગે ભિલોડા તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે ઝાંઝરી બોર્ડરથી આગળ હાઈવે પર તેમની વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. નશામાં રહેલા આરોપીઓ સાવન ગોપાલભાઈ, પંખીલ ડાહ્યાભાઈ અને હીમેશ ઉર્ફે માર્ટીન પ્રકાશચંદ્રએ એકસંપ થઈને રાહુલ પર હુમલો કરી દીધો હતો.
આરોપીઓએ ક્રૂરતાની બધી હદો પાર કરીને રાહુલની છાતીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં રાહુલ ત્યાં જ ઢળી પડ્યો. પકડાઈ જવાની બીકે આરોપીઓ ગંભીર રીતે ઘાયલ રાહુલને ભિલોડા સિવિલ હોÂસ્પટલ ખાતે મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ રાહુલને મૃત જાહેર કર્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ હત્યાનો રિપોર્ટ સામે આવ્યો હતો.
અરવલ્લી જીલ્લા ડીવાયએસપી, જે. ડી. વાઘેલાએ જણાવ્યું કે, “તારીખ ૨૬ મે ૨૦૨૬ના રોજ ભિલોડા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરીયાદ નોંધાઈ હતી. જેમાં તારીખ ૧૪ મે ૨૦૨૬ના રોજ ફરીયાદીનો દિકરો રાહુલ અને તેનો મિત્ર સાવન જેઓ ઈડરથી નીકળેલા અને તારીખ ૧૫ મે ના રોજ તેનો મિત્ર જે સાવન છે તેમના ઘરે રોકાયા હતા. તેમના બીજા બે મિત્રો જેમણે નક્કી કરેલું કે પિકઅપ લઈને ઝાંઝરી બોર્ડરના ઠેકા પર જઈને દારુ પીવા ગયા હતા અને દારુ પીને પરત આવી રહ્યા હતા ત્યારે મૃતક રાહુલ જાડે બોલાચાલી થઈ હતી. બોલાચાલીમાં તેમણે રાહુલને ચાકુ મારી દીધું હતું. ત્યારબાદ તેમણે રાહુલને ભિલોડા હોેસ્પીટલમાં છોડીને ભાગી ગયા હતા. ત્યારબાદ હત્યાની તપાસ કરતા આરોપીઓ સાવન ગોપાલભાઈ, પંખીલ ડાહ્યાભાઈ અને હીમેશ ઉર્ફે માર્ટીન પ્રકાશચંદ્ર સાને ગુનો નોંધીને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.”
મૃતકના માતા તારાબેનની ફરિયાદના આધારે ભિલોડા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) એટલે કે હત્યાનો ગુનો નોંધી એક આરોપી સાવન ગોપાલભાઈની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે બે આરોપીઓ હજુ ફરાર છે. પોલીસે આ હત્યા બાબતે વધું તપાસ હાથ ધરી છે.