ગોધરા તાલુકા પંચાયત કચેરીમાં રતનપુર કાંટડીના વિકાસના કામોના બીલોની ચુકવણી માટે ટીડીઓની ચેમ્બરમાં બોલાચાલી થતી જોવા મળી

ગોધરા,

ગોધરા તાલુકા પંચાયત કચેરીમાં ટી.ડી.ઓ.ની ચેમ્બરમાં ભાજપ અને કોંગ્રેસના પદાધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ નાણાં પંચના કામોના બિલોના ચુકવણા મામલે હોબાળો થતાં કાર્યવાહીની ખાતરી બાદ મામલો થાળે પડયો.

ગોધરા તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં આજરોજ બીજેપી અને કોંગ્રેસના પદાધિકારીઓ વચ્ચે રતનપુર કાંટડી ગામમાં થયેલા નાણાપંચના વિકાસના કામોના બીલોના ચુકવણા માટે બોલાચાલી થઈ હતી. તાલુકા પંચાયત દ્વારા નાણાંપંચના વિકાસના કામોની બીલોની ચુકવણી ન કરવાના મામલે ટી.ડી.ઓ.ને રજુઆત કરતા સમયે બીજેપી અને કોંગ્રેસના પદાધિકારીઓ વચ્ચે તું તું મેં મેં થવા પામી હતી. નાણા પંચના વિકાસ કામોના બીલોની ચુકવણી ન થતાં થયેલ ગંભીર આક્ષેપ અને રજુઆતોને જોતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા રતનપુર કાંટડી ગામના વિકાસના કામોના બીલોની ચુકવણી બાબતે યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવાની ખાત્રી આપતાં મામલો ઠાળે પડયો હતો. તાલુકા પંચાયત કચેરીમાં બીજેપી અને કોંગ્રેસના પદાધિકારીઓ વચ્ચે બોલાચાલીને લઈ કચેરીમાં હાજર અરજદારો પણ આનંદ લીધો હતો અને તાલુકા પંચાયત કચેરીમાં વિકાસના કામોના બીલોની ચુકવણી માટે થતાં અખાડાનો પણ ખ્યાલ આવ્યો હોય તેમ જાણી શકાતું હતું.