
અખાત્રીજના દિવસથી અમદાવાદની ૧૪૯મી રથયાત્રાની તૈયારીઓનો પવિત્ર પ્રારંભ થયો છે. જગન્નાથ મંદિરમાં અખાત્રીજના પવિત્ર દિવસે ચંદનયાત્રા અને રથ પૂજન સાથે વાર્ષિક રથયાત્રાના પ્રથમ ચરણનો શુભારંભ થયો છે. આ દિવસે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામજીને ચંદનનો લેપ કરવામાં આવે છે અને રથોને શણગારવામાં આવે છે. આ રથયાત્રા પૂર્વેની એક મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ છે.
અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિર સામે રથ મુકવામાં આવ્યા છે. આ રથોની વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશિષ્ટ મહાપૂજા કરવામાં આવી હતી. આ સાથે અક્ષય તૃતિયાએ જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રાનું વિશેષ મહત્વ છે. આ દિવસથી જ રથનું સમારકામ, સુશોભન અને જાળવણીનું કામ શરૂ થઈ જાય છે. ચંદન યાત્રા અને રથ પૂજનના કાર્યક્રમ સમયે મંદિરના હાથીઓને વિશેષ શણગાર કરીને તૈયાર કરવામાં આવ્યા છે.
રથની પૂજા કરતા મહારાજે વાતચીતમાં ચંદન યાત્રાનું મહ¥વ સમજાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, “સામાન્ય રીતે અખાત્રીજના દિવસથી જ ગરમીનું જાર વધી જતું હોય છે. ચંદનયાત્રા અખાત્રીજના દિવસથી બે મહિના સુધી એટલે કે શ્રાવણ સુદ પૂનમ સુધી હોય છે. ચંદન યાત્રા એટલે ભગવાનને ઉનાળાની ગરમીમાં શીતળતા મેળવવા માટે ભગવાનને ચંદનના લેપથી એમના શણગાર કરવામાં આવે છે. આ બે મહિનામાં ભગવાનને કોઈ ભારે શણગાર કરવામાં નથી આવતા.”
આજના પાવન પર્વના દિવસે મોટી સંખ્યામાં ભક્તો મંદિર પરિસરમાં ઉપસ્થિત છે. મંદિરમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ સર્જાયો છે. તમામ ભક્તો જય જગન્નાથનો જયઘોષ કરી રહ્યા છે. નોંધનીય છે કે, આજથી એટલે અખાત્રીજના દિવસથી જગન્નાથ મંદિર રથયાત્રા માટે સત્તાવાર તૈયારીઓ શરૂ કરી દે છે.