બીબીસીની ડોક્યુમેન્ટરી પર હૈદરાબાદ યુનિવર્સિટી માં વિવાદ એસએફઆઇએ સ્ક્રીનિંગ કર્યું તો એબીવીપીએ ’ધ કાશ્મીર ફાઇલ્સ’ બતાવી

નવીદિલ્હી,

બીબીસીની ડોક્યુમેન્ટરીને લઈને ગુરુવારે સાંજે હૈદરાબાદ યુનિવર્સિટીમાં વિવાદ થયો. અહીં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ ગુરુવારે હૈદરાબાદ યુનિવર્સિટીમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પીએમ મોદી પર બનેલી બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી ‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચન’ બતાવી. એના જવાબમાં આરએસએસની સ્ટુડન્ટ્સ વિંગ અને એબીવીપી કાર્યર્ક્તાઓએ યુનિવર્સિટીમાં ’ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ બતાવી. બીજી તરફ કેરળ ક્રોંગ્રેસે ગણતંત્ર દિવસના દિવસે વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કર્યું.એસએફઆઇએ યુનિવર્સિટી કેમ્પસમાં બીબીસીની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ સાથે જોડાયેલી એક તસવીર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જેની કેપ્શનમાં લખાયેલું હતું કે એબીવીપીના કાર્યર્ક્તાઓએ હંગામો કરવાની કોશિશ કરી, પરંતુ અમે તેમને સફળ થવા દીધા નહીં.ત્યાં જ એબીવીપી કાર્યકરોએ યુનિવર્સિટી વહીવટીતંત્ર પર બીસીસીની ડોક્યુમેન્ટરીને કેમ્પસમાં બતાવવાની મંજૂરી આપવાનો આરોપ લગાવ્યો હતો, જેના વિરોધમાં યુનિવર્સિટી ના મુખ્ય દ્વાર પર કાર્યર્ક્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. વહીવટીતંત્રે અમને કેમ્પસમાં ’ધ કાશ્મીર ફાઇલ્સ’ની સ્ક્રીનિંગ કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો.

જ્યારે અમે ફિલ્મની સ્ક્રીનિંગ માટે જરૂરી સાધનો સાથે કેમ્પસમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે સિક્યોરિટી ગાર્ડ્સે અમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અમે વિરોધ કર્યો ત્યારે ગાર્ડ્સે અમારી સાથે મારપીટ કરી. સમજાતું નથી કે જ્યારે સરકારે બીબીસીની ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે એને કેમ્પસમાં કેવી રીતે બતાવવાની મંજૂરી આપવામાં આવી.આ મુદ્દે યુનિવસટીના રજિસ્ટ્રાર દેવેશ નિગમે એક નિવેદન જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે શાંતિ જાળવવા માટે કેમ્પસમાં વધુ ફિલ્મોનું સ્ક્રીનિંગ અટકાવી દેવાયું છે. કાયદા અને વ્યવસ્થાના મુદ્દાને ધ્યાનમાં રાખીને ડીન-સ્ટુડન્ટ્સ વેલ્ફેરે વિદ્યાર્થીઓના ગ્રુપનું કાઉન્સેલિંગ કર્યું છે. જ્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ તેમના નિર્ધારિત કાર્યક્રમો પ્રમાણે જ કામ કરશે.

આ પહેલાં ૨૧ જાન્યુઆરીએ પણ સ્ટુડન્ટ્સના એક ગ્રુપે હૈદરાબાદ યુનિવર્સિટી ના કેમ્પસમાં ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ રાખ્યું હતું. વિદ્યાર્થીઓએ એના માટે યુનિવર્સિટી પ્રશાસનને કોઈ સૂચના આપી નહોતી કે મંજૂરી પણ લીધી નહીં. મામલો સામે આવ્યા પછી યુનિવર્સિટીના અધિકારીઓએ પગલાં લીધા.

૨૪ જાન્યુઆરીએ જવાહરલાલ નેહરુ યુનિવસટી અને જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં આ ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને લઈને વિવાદ થયો હતો. વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટરી જોઈ શકે નહીં એટલે જેએનયુમાં કાર્યકરોએ વીજળી કાપી નાખી અને ઈન્ટરનેટ કનેક્શન પણ કાપી નાખ્યું હતું. એ પછી પણ વિદ્યાર્થીઓ માન્યા નહીં અને તેમણે મોબાઇલમાં ડોક્યુમેન્ટરી ડાઉનલોડ કરવા માટે ક્યુઆર કોડ શેર કર્યો હતો. વિવાદ એટલો વધી ગયો કે મોડી રાત્રે ડોક્યુમેન્ટરી જોનારા વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરો કોણે કર્યો એ જાણી શકાયું નથી. અંધારાનો લાભ લઇ હુમલાખોરો નાસી છૂટયા હતા.

જામિયામાં આ વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ થયા પછી અત્યાર સુધીમાં સાત વિદ્યાર્થીની પોલીસે ધરપકડ કરી છે. તેમના પર યુનિવર્સિટીનું વાતાવરણ ખરાબ કરવાનો આરોપ છે. જીહ્લૈં ના વિદ્યાર્થીઓ જ્યાં સુધી છૂટશે નહીં ત્યાં સુધી સ્ક્રીનિંગ ટાળવામાં આવ્યું છે. યુનિવર્સિટીના ચીફ પ્રોજેક્ટર ફરિયાદના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. જામિયાનાં વાઇસ-ચાન્સેલર નજમા અખ્તરે જણાવ્યું હતું કે વિદ્યાર્થી સંગઠન એસએફઆઇ વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરીને યુનિવર્સિટી કેમ્પસનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમે આવા કોઈ કામને મંજૂરી આપીશું નહીં. વિદ્યાર્થીઓના કોઈપણ બિનજરૂરી કૃત્ય સામે કાર્યવાહી કરવામાં આવશે.